પોપ્યુલર બિલ્ડર્સના ચાર ભાઈઓ રમણ પટેલ, છગનભાઇ પટેલ, દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ અને ચાર બ્રોકરોને ત્યાં આઇટીના અધિકારીઓએ દરોડાની કામગીરી ચાલુ રાખતા વધુ ચાર બેન્ક લોકરો સીલ કર્યા છે. આમ કુલ ૨૨ લોકર સીલ કરાયા છે. જ્યારે અત્યાર સુધી રૂ. ૭૭ લાખની રોકડ રકમ મળી આવી છે.
ગ્રુપ સાથે સંકળાયેલા ભરત પટેલને ત્યાં દરોડાની કામગીરી હજુ ચાલુ રાખવમા આવી છે. ભરત પટેલને માસ્ટમાઇન્ડ માનવામા આવે છે. ગત ગુરુવારે આઇટી વિભાગે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના બિલ્ડરો અને તેમના પરિવારજનો તેમજ એસ્ટેટ બ્રોકર્સના ૨૭ સ્થળે દરોડા પાડયા હતા.
દરોડની કામગીરી ચાલુ રાખવામા આવતા કાંકરિયા મણિનગર સહકારી બેન્ક, બેન્ક મહારાષ્ટ્ર, સુરત સહકારી બેન્ક અને અમદાવાદ ડિસ્ટ્રિકટ બેન્કના સહી કરેલા કોરા ચેક આઇટીના અધિકારીઓને મળી આવ્યા છે. આ ચેક કોને આપવાના હતા તેની તપાસ ચાલી રહી છે.
ગ્રુપના પ્રમોટરો દ્વારા સુનિધિ, સૂર્યમુખી, સોમેશ્વર દર્શન, શ્રી હનુમાન દર્શન, કુમકુમનગર જેવી અનેક કો-ઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીઓ, આશરે ૯૬ કંપનીઓ બનાવી અંદાજે રૂ. ૨૫૦ કરોડના સંદિગ્ધ વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે. બેનામી મિલકતોના આંક ૫૦૦ કરોડ પાર કરી જાય તેવી શક્યતાઓ છે.
એટલુ જ નહિ જમીનના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરાઇ છે, આ જમીનો ગ્રૂપ સાથે સંકળાયેલા એસ્ટેટે બ્રોકર કમ બિલ્ડરોએ બાનાખત કરીને લીધી છે. જમીનની કુલ કિમંત સુધી આઇટીની ટીમ પહોચી શકી નથી પરંતુ નજીકના દિવસોમાં પોપ્યુલર ગ્રૂપ દ્વારા કેટલું બ્લેકમની ડાઇવર્ટ કરાયું તેની માહિતી બહાર આવશે.