કેલેન્ડર ૨૦૨૦ અસાધારણ રહ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટી કેલેન્ડરની શરૂઆતમાં ૧૨,૧૦૦ની તેની સર્વોચ્ચ ટોચ નજીક ટ્રેડ થતો હતો. જ્યાંથી માર્ચ મહિનામાં ૩૮ ટકા જેટલો ગગડયો હતો અને ત્યાંથી ૫૮ ટકાના સુધારે હાલમાં ૧૧,૯૩૦ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.

જોકે ૨૦૧૯ના બંધભાવથી હજુ પણ તે દોઢેક ટકો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાત સ્થિત કેટલીક કંપનીઓએ ૩૦૦ ટકાથી વધુનું રિટર્ન જનરેટ કર્યું છે. ઊંચું રિટર્ન દર્શાવતી રાજ્યની આવી કંપનીઓમાં એનર્જી, કેમિકલ, ફાર્મા, એન્જિનિયરિંગ, સિટી ગેસ પ્રોવાઇડર, કોમોડિટી ટ્રેડિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓનો સમાવેશ થાય છે. સોમવારે નિફ્ટી ખૂલતામાં તેના ૨૦૧૯ના બંધ ભાવ નજીક પહોંચ્યો હતો. જોકે ત્યાં ટકવામાં નિષ્ફળ રહ્યો હતો અને કેલેન્ડરમાં હજુ નેગેટિવ રિટર્ન દર્શાવતો હતો.

જ્યારે બીજી બાજુ ગુજરાત સ્થિત કંપનીઓનો સમાનગાળામાં દેખાવ જોઈએ તો ૩૦૨ ટકાનું વળતર જોવા મળે છે. આમાંની મોટાભાગની કંપનીઓ અગ્રણી જૂથો સાથે સંકળાયેલી છે. જેમકે ૩૦૨ ટકા સાથે અદાણી ગ્રીન એનર્જી સૌથી સારો દેખાવ દર્શાવી રહી છે. ૨૦૧૯ના અંતે કંપનીનો શેર રૂ. ૧૬૬.૪૫ પર બંધ રહ્યો હતો. જે સોમવારે રૂ. ૬૬૯.૭૦ના સ્તરે બંધ રહ્યો હતો. એ વાત નોંધવી રહી કે શેર સપ્તાહ અગાઉ રૂ. ૭૭૨ની ટોચ બનાવીને હાલમાં કરેક્શન મોડમાં છે. કેલેન્ડરમાં અત્યાર સુધી ૭૩ ટકા રિટર્ન સાથે કેડિલા હેલ્થ બીજા ક્રમે આવે છે.

કેલેન્ડર ૨૦૧૮ અને ૨૦૧૯માં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યાં બાદ કંપનીના શેરમાં ફાર્મા ક્ષેત્રે બ્રોડ તેજી બાદ સારો સુધારો જોવા મળ્યો છે અને હાલમાં તે અંતિમ દોઢ વર્ષની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે રોકાણકારો માટે વેલ્થ ક્રિએટર સાબિત થયેલી અન્ય ગુજરાતી કંપનીઓમાં એપીએલ લિ.(૬૮ ટકા), ટોરેન્ટ ફાર્મા(૬૮ ટકા), અતુલ લિ.(૬૦ ટકા), અદાણી એન્ટરપ્રાઇઝ (૫૨ ટકા) અને ગુજરાત ગેસ(૨૫ ટકા)નો સમાવેશ થાય છે.

કેડિલા હેલ્થકેરના શેરમાં ૭૩ ટકાના તીવ્ર સુધારા છતાં હજુ તે ટોરેન્ટ ફાર્માની સરખામણીમાં માર્કેટ-કેપની રીતે નોંધપાત્ર નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ટોરેન્ટ ફાર્માનો શેર રૂ. ૪૮ હજાર માર્કેટ-કેપ દર્શાવી રહ્યો છે જ્યારે કેડિલા રૂ. ૪૫,૦૦૦નું એમ-કેપ દર્શાવે છે. એક સમયે કેડિલા રૂ. ૬૦ હજાર કરોડ નજીક ટ્રેડ થતો હતો. જ્યારે ટોરેન્ટ રૂ. ૨૦ હજાર કરોડ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બીજી બાજુ ગુજરાત ગેસ અને અતુલ લિ. જેવી કંપનીઓએ ચાલુ વર્ષે પ્રથમવાર રૂ. ૨૦ હજાર કરોડના માર્કેટ-કેપને પાર કર્યું છે. જોકે બીજી બાજુ અદાણી ટ્રાન્સમિશન, સિમ્ફ્ની, જીએસપીએલ, યુપીએલ જેવી જાણીતી કંપનીઓ ચાલુ કેલેન્ડરમાં સારો દેખાવ જાળવી શકી નથી. સિમ્ફ્નીમાં ૨૭ ટકાનો જ્યારે જીએસપીએલ અને અદાણી ટ્રાન્સ.માં ૨૦૨૦માં અત્યાર સુધી ૧૨-૧૨ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતની અગ્રણી કંપનીઓમાં જોવાયેલી વૃદ્ધિ

સ્ક્રિપ્સ ૨૦૧૯નો બંધ    CMP     (%)વૃદ્ધિ  

અદાણી ગ્રીન             ૧૬૬.૪૫          ૬૭૩.૦૦       ૩૦૨.૩૪

કેડિલા હેલ્થ               ૨૫૧.૨૫          ૪૩૫.૬૦       ૭૩.૩૭

એપીએલ લિ.            ૫૬૪.૪૪          ૯૪૮.૦૦       ૬૭.૯૫

ટોરેન્ટ ફાર્મા               ૧,૬૮૮.૮૮     ૨,૮૩૩.૫૦     ૬૭.૭૭

અતુલ                           ૩,૭૬૨.૫૨     ૬,૦૩૬.૯૫     ૬૦.૪૫

અદાણી એન્ટરપ્રાઇઝ   ૨૦૬.૮૯         ૩૧૪.૪૫       ૫૧.૯૯

ગુજરાત ગેસ              ૨૩૭.૫૫         ૨૯૬.૫૦       ૨૪.૮૨

આરતી ઇન્ડ.              ૮૧૫.૪૮         ૧,૦૦૩.૪૦     ૨૩.૦૪

એઆઈએ એન્જિ.       ૧,૬૨૩.૧૧     ૧,૭૫૫.૫૦     ૮.૧૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here