હાસ્ય સૌથી શ્રેષ્ઠ દવા ગણવામાં આવે છે. જોકે, કામકાજના સ્થળે હાસ્ય અને ખુશીના માહોલ વિશે તાજેતરમાં કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વે અનુસાર ૨૩ વર્ષની ઉંમર પછી લોકોમાં હાસ્ય અને સ્મિતનું પ્રમાણ નોંધપાત્ર ઘટી જાય છે. અમેરિકાના કેલિફોર્નિયાના બિઝનેસ સ્કોલર્સ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં દુનિયાભરના ૧૬૬ દેશોના વિવિધ વયના ૧૪ લાખ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સંશોધકોએ ચેતવણી આપતા કહ્યું હતું કે, કામકાજના દબાણ અને તણાવના લીધે વ્યક્તિના જે હાસ્ય અને સ્મિતનો નાશ થાય છે એ જીવનમાં નિવૃત્ત થયા બાદ પણ મેળવી શકાતા નથી. આ સર્વેમાં કામકાજના સ્થળે કામદારોની વિનોદ વૃત્તિ પર સમયની સાથે કેવી અસરો થાય છે એ જાણવાની કોશિશ થઈ હતી.

કોર્પોરેટ જગતમાં હાસ્ય એ સુપરપાવર

હાસ્યની જરૂરિયાતને ગંભીરતાથી સમજતા આ સર્વે કરનારા સંશોધકો-મનોવિજ્ઞાની જેનિફર અકેર તેમજ નાઓમી બેગડોનસે જણાવ્યું હતું કે, ‘આપણે કામકાજના સ્થળે પ્રવેશીએ છીએ અને અચાનક ગંભીર અને મહત્ત્વની વ્યક્તિઓ બની જઈએ છીએ. કોર્પોરેટ જગતમાં હાસ્ય જ સુપરપાવર છે. જોકે, એનો ઉપયોગ થતો નથી. હાસ્ય અને સ્મિત પ્રભાવ અને દરજ્જો વધારી શકે છે. સાથે રચનાત્મકતા તેમજ સમસ્યાનું સમાધાન લાવવાની કળામાં પણ મદદ કરે છે. એકંદરે તમારી વિનોદ વૃત્તિથી ખૂબ જ ફરક પડે છે, ખાસ કરીને તમે સંગઠનમાં નેતૃત્વની સ્થિતિમાં હોય ત્યારે.’

સર્વેના કેટલાંક રસપ્રદ તારણો

  1. ૯૮ ટકા ચીફ એક્ઝિક્યુટિવ્સ વધારે ગંભીર રહેતા ઉમેદવારો કરતાં સ્મિત અને હાસ્ય રેલાવતા ઉમેદવારોને નોકરી આપવાનું પસંદ કરે છે.
  2. વિનોદવૃત્તિ ધરાવતા મેનેજર્સની સાથે કામ કરવું ૨૫ ટકા વધારે સુખદ હોય છે અને તેમને એ બદલ વધારે સન્માન પણ મળતું હોય છે.
  3. કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસના મનોવિજ્ઞાની જેનિફર અકેરે જણાવ્યું હતું કે, લોકો સામૂહિક રીતે વિનોદવૃત્તિ ગુમાવે છે તો એની વ્યક્તિઓની સાથે સંગઠનો પર પણ અસર થાય છે.
  4. ચાર વર્ષનો બાળક દરરોજ સરેરાશ ૩૦૦ વખત હસતો હોય છે જ્યારે સરેરાશ ૪૦ વર્ષની વ્યક્તિને આટલું હસવા માટે દસ અઠવાડિયા લાગી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here