નાગરિકોને ભલે પીવાના પાણીથી માંડીને અન્ય પ્રાથમિક સુવિધા ન મળે પણ વિદેશ આવતાં મહાનુભાવોના મનમાં વિકાસનું ચિત્ર ઉભુ કરવા ભાજપના સત્તાધીશો પ્રજાના ટેક્સના પૈસા પાણીની જેમ વેરી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની એક દિવસીય મુલાકાત પાછળ મ્યુનિ.કોર્પોરેશનને રૂા.30 કરોડ જેટલી માતબર રકમનું આંધણ કર્યુ છે. 24મી ફેબુ્રઆરીએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં તે વખતે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનુ આયોજન કરાયુ હતું.

આ આખાય કાર્યક્રમના ખર્ચને લઇને વિવાદ ઉઠયો હતો કે,ખરેખર રાજ્ય સરકાર ખર્ચ કરી રહી છે કે,પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. જોકે, હવે આરટીઆઇ મારફતે એવી વિગતો બહાર આવી છેકે, ટ્રમ્પની વિઝીટ પાછળ મ્યુનિ.કોર્પોરેશને અંદાજે રૂા.30 કરોડનો ધુમાડો કર્યો હતો. મ્યુનિ,.સત્તાધીશોએ મોટેરા સ્ટેડિયમની સાફસફાઇ પાછળ રૂા.96, 53, 888નો ખર્ચ કર્યો હતો. સ્ટેડિયમની એક અઠવાડિયા સુધી સાફસફાઇ કરાઇ હતી તે માટે 3032 સફાઇ કામકારોને કામે લગાડાયા હતાં

મ્યુનિ.કોર્પોરેશનને રૂા.30 કરોડ જેટલી માતબર રકમનું આંધણ કર્યુ

અમદાવાદના શહેરીજનોને કેટલાંય વિસ્તારમાં પીવાનુ પાણી મેળવવા ફાંફા પડી રહ્યાં છે ત્યારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમ જનારાં લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ હતી . આ પીવાના પાણીના પાઉચ-બોટલો પાછળ રૂા.26,25,100 ખર્ચ કરાયો હતો. આ આખાય કાર્યક્રમને દેશ વિદેશના લોકો નિહાળી શકે તે માટે દૂરદર્શન દ્વારા ખાસ સુવિધા કરાઇ હતી. સ્ટેડિયમમાં દૂરદર્શનના કેમેરાને વિજ જોડાણ અપાયું હતું તે માટે રૂા.9.55 લાખનો ખર્ચ થયો હતો.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમ જનારાં લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ સહિત વિદેશી મહાનુભાવોના આગમનને લઇને મોટેરા સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર તો જાણે દુલ્હનની જેમ શણગારાયો હતો.એટલુ જ નહીં, મોટેરા સ્ટેડિયમ તરફ જતાં 18 માર્ગો નવાનક્કોર બનાવાયા હતાં જેની પાછળ રૂા.16 કરોડ ખર્ચાયા હતાં. નવા રસ્તાની આજુબાજુ જાતજાતના ફુલો-છોડ મૂકી મોટેરાની રોનક વધારાઇ હતી. આ પ્લાન્ટેશન પાછળ પણ રૂા.3.68 કરોડ વાપરવામાં આવ્યા હતાં. ટૂંકમાં, અમદાવાદના નગરજનોના ટેક્સના પૈસે ભાજપના સત્તાધીશો તાગડિધન્ના કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here