સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આજે ફરી એકવાર દેશભરમાં NEET ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી 13 સપ્ટેમ્બરની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી શક્યા ન હતા, અથવા તો જે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હતા, અથવા પરીક્ષા સમયે જે પોતે કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા હતા તેઓને પરીક્ષા આપવા માટે વધુ એક તક આપવામાં આવી હતી. ત્યારે ગુજરાતના એકમાત્ર સેન્ટરમાં માત્ર બે વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા આવ્યા હતા.
માત્ર બે વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યા હતા
અમદાવાદની વાત કરીએ તો NEET ની પરીક્ષા માટે એકમાત્ર પરીક્ષા સેન્ટર વસ્ત્રાપુરમાં આવેલી પ્રકાશ હાઈસ્કૂલ ખાતે ફાળવવામાં આવ્યું હતું. આ સેન્ટર સમગ્ર ગુજરાતનું એકમાત્ર એક્ઝામ સેન્ટર હતુ. આ સેન્ટર માત્ર 3 વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવ્યું હતું, જ્યાં એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી હાજર રહ્યા હતા. આ વિદ્યાર્થીનીની બનાસકાંઠાના ડીસાથી NEET ની પરીક્ષા આપવા અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પર આવી હતી.
ખ્યાતિ લક્ષ્મણભાઈ પઢિયાર નામની વિદ્યાર્થીને કોરોના થતા 13 સપ્ટેમ્બરે આયોજિત પરીક્ષા તે આપી શકી ન હતી. કોરોનાને કારણે ખ્યાતિને ICU માં દાખલ થવું પડ્યું હતું. ત્યાર બાદ આખરે તેણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પરીક્ષા ના આપી શક્યા અંગેના કારણો સાથેનો NTA ને પરીક્ષા આપવા માટે ઇમેઇલ કર્યો હતો અને આજે આયોજિત પરીક્ષા માટે તેને પરીક્ષા આપવાની તક આપવામાં આવી. આ વિશે ખ્યાતિ જણાવે છે કે, તેના પરિવારજનોને પણ કોરોના થયો હતો. હવે બધા સ્વાસ્થ છીએ. ખ્યાતિએ પરીક્ષા આપવાની તક મળવા બદલ NTA, શિક્ષણ વિભાગ, સરકાર અને સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. ખ્યાતિની સાથે ડીસાથી તેના મામા-મામી આવ્યા હતા. ખ્યાતિની મામીએ કહ્યું કે, દીકરીએ સતત મહેનત કરી છે, તે કોરોનાગ્રસ્ત થતા પરીક્ષા આપી શકી ન હતી, પરંતુ સુપ્રિમ કોર્ટના આદેશ અને NTA ના સહયોગથી તેને પરીક્ષા આપવાની તક મળી છે તેના માટે તેઓ આભારી છે.
આ સિવાય અન્ય એક વિદ્યાર્થી કે જે અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી અમદાવાદના એકમાત્ર પરીક્ષા સેન્ટર પર આવી પહોંચ્યો હતો. આ વિદ્યાર્થી કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતો હોવાથી પરીક્ષા આપી શક્યો ન હતો, તેની રજૂઆતને NTA એ ધ્યાને લેતા આખરે તેને પણ પરીક્ષા આપવાની તક આપવામાં આવી.