કોરોના સંકટ વચ્ચે મોટા ભાગે કંપનીઓ કર્મચારીઓને કાં તો નોકરીમાંથી કાઢી રહી છે અથવા તો પગારમાં કાપ મૂકી રહી છે. આ વચ્ચે દેશની દિગ્ગજ ટેક કંપની ઇંફોસિસ પોતાના 2.4 લાખ કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઇંફોસિસ દ્વારા જણાવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2021થી દરેક સ્તરના કર્મચારીઓના પગારમાં વધારા સાથે જ પ્રમોશન પણ આપવામાં આવશે. આ સિવાય કંપની બધા કર્મચારીઓને ઓક્ટોબર-ડિસેમ્બર 2020ના ત્રિમાસિક માટે સ્પેશિયલ બોનસ પણ આપશે.
સપ્ટેમ્બર 2020 ત્રિમાસિકમાં કંપનીને 20.5 ટકા ચોખ્ખો નફો થયો
કંપનીએ આ પહેલા જણાવ્યું કે તેને જુલાઇ-સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક દરમિયાન છેલ્લા વર્ષના સમાન નાણાંકીય વર્ષની સરખામણીએ 20.5 ટકા ચોખ્ખો નફો થયો છે. ઇંફોસિસે જણાવ્યું કે જુલાઇ-સપ્ટેમ્બર 2020 ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 4,845 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીને સપ્ટેમ્બર 2019 ત્રિમાસિકમાં 4,019 કરોડ રૂપિયાનો ચોખ્ખો લાભ થયો હતો.
ત્રિમાસિક પરીણામોની જાહેરાત પછી કંપનીએ પોતાના કર્મચારીના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી. ઇંફોસિસે કહ્યું કે 1 જાન્યુઆરી 2021થી પગાર વધારો અને પ્રમોશન લાગુ કરવામાં આવશે. આ કંપીનના દરેક સ્તર પર લાગુ કરવામાં આવશે.

કંપનીના CEO વેરિએબલ પે અંગે જણાવ્યું
ઇંફોસિસના CEO સલિલ પારેખે કહ્યું કે ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપની સ્પેશિયલ બોનસની સાથે 100 ટકા વેરિએબલ પે (Variable Pay) પણ આપશે. કંપનીમાં અંદાજે 2.4 લાખ કર્મચારી કામ કરી રહ્યાં છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે પગાર વધારો છેલ્લા વર્ષની જેમ જ હશે. ગત વર્ષે કંપનીએ 85 ટકા કર્મચારીઓને સરેરાશ 6 ટકા જેટલો પગાર વધારો આપ્યો હતો.

કંપની નવા ફ્રેશર્સને પણ હાયર કરશે
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીએ 5,500 લોકોની ભરતી કરી છે. જેમાં અંદાજે 3,000 કર્મચારી નવા (ફ્રેશર્સ) છે. કંપની આ વર્ષે 16,500 ફ્રેશર્સને હજી પણ લેવાની છે. જ્યારે આગામી વર્ષમાં પણ 15000 ફ્રેશર્સની ભરતી કરવાની છે.