લોકોને પોલીસ ફરિયાદ કરવી હોય કે પછી કોઇ ગેરકાયદે ધંધાની ગુપ્ત માહિતી આપવી હોય તો તે પોલીસ સ્ટેશને જતાં દસ વખત વિચાર કરે છે, જેનું કારણ છે ડ્યુટી પર હાજર રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓની ગેરવર્તણૂક અને બાતમીદારનું નામ લીક થઇ જવાનો ડર…જો અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના મોબાઇલ પર કોઇ પણ ફરિયાદી મેસેજ કરશે અથવા તો કોઇ પણ વ્યકિત ગુપ્ત માહિતી મેસેજ દ્વારા આપશે તો તેમાં તરત કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશ્નર સામાન્ય માણસ બની પહોંચ્યાં પોલીસ સ્ટેશન

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે થોડાક દિવસો પહેલાં અમદાવાદના ત્રણ પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત લીધી હતી. આમ તો સામાન્ય સંજોગોમાં પોલીસના કાફલા સાથે પોલીસ કમિશનર ફરતા હોય છે પરંતુ તે દિવસ સંજય શ્રીવાસ્તવ ખાનગી વાહનમાં સામાન્ય માણસ બનીને મોબાઇલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો ઇરાદો એવો હતો કે પોલીસ સ્ટેશનમાં આવનાર ફરિયાદી સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે તે તેમને જાણવુ હતું.

કમિશ્નરનું શહેરના પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ

સાબરમતી, રાણીપ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જોયું કે કેટલાક પોલીસ કર્મચારીઓ આરામ ફરમાવી રહ્યા હતા તો કેટલાક પોલીસ કર્મચારીઓ યુનિફોર્મ વગર ફરી રહ્યા હતા તો કેટલાક ફરજ પર મોડા આવી રહ્યા હતા. પોલીસ સ્ટેશનનાં સરપ્રાઇઝ ચેકિંગનો અનુભવ થયા બાદ સંજય શ્રીવાસ્તવને જાણવા મળ્યું કે લોકોને ફરિયાદ કરવામાં પણ મુશ્કેલીઓ થતી હશે.

સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35માં પોલીસ કમિશ્નર બન્યાં

બે મહિના પહેલાં સંજય શ્રીવાસ્તવ અમદાવાદના ૩૫મા પોલીસ કમિશનર બન્યા છે અને અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે અને શહેરના પોલીસ કમિશનરના શીરે અનેક જવાબદારી રહી છે. જો કોઇ વ્યકિતને પોતાની ફરિયાદ કરવી હોય અથવાતો ગુપ્ત માહિતી આપવી હોય તો સીધા સંજય શ્રીવાસ્તવના મોબાઇલ પર મેસેજ કરે તો તેનું નિરાકરણ જલદી આવી જશે. થોડાક દિવસ પહેલાં રાણીપ વિસ્તારમાં આવેલ શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા નીલેશ પટેલે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફોન કરીને પોલીસ કર્મચારીની ગેરવર્તણૂક મામલે માહિતી આપી હતી. માહિતી સાંભળતાંની સાથે જ કમિશનરે નીલેશને મેસેજ ટાઇપ કરીને માહિતી આપવાની કહી હતી.

પોલીસ કમિશ્નરને મોબાઇલના મેસેજમાં ફરિયાદ મળશે તો થશે કાર્યવાહી

પોલીસ કમિશનરને જો કોઇ મેસેજ કરીને ફરિયાદ કરે અથવા તો બાતમી આપે તો તે માહિતીને જે તે ઝોનના ડીસીપી, ડિવિઝનના એસીપીને મોકલી આપવામાં આવે છે. મેસેજના આધારે જે તે ઝોનના ડીસીપી અને એસીપી યોગ્ય તપાસ કરીને જો માહિતી સાચી હોય તો તેના પર કાર્યવાહી કરે છે. આ મામલે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે જે કોઇ વ્યકિતનો મેસેજ આવે તેને જે તે ઝોનના ડીસીપી અને સંબંધિત અધિકારીઓને મોકલી આપવામાં આવે છે. જેના આધારે તપાસ કરીને કાર્યવાહી થાય છે.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here