કોરોના વાયરસ સામેની જંગમાં ભારતની પેપર આધારિત ટેસ્ટ સ્ટ્રીપ ફેલુદા (FELUDA) ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ટેસ્ટ સ્ટ્રિપ બજારમાં આવવા માટે તૈયાર છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India) એ ગયા મહિને ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research Council) એ ગુણવત્તાના બેન્ચમાર્ક પૂરા કર્યા બાદ FELUDA (FnCas9 Editor Linked Uniform Detection Assay ) ને મંજૂરી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન (Dr. Harsh Vardhan) એ થોડાંક સમય પહેલાં જ કહ્યું હતું કે ફેલુદા ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.

યુવા ટીમે તૈયાર કરી
તેને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) ના યુવાન વૈજ્ઞાનિકોની ટીમે તૈયાર કરી છે. FELUDAથી ગણતરીની મિનિટોમાં ટેસ્ટનું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે હાલની RT-PCR કીટ આના માટે 4 થી 5 કલાકનો સમય લે છે. સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ શેખર સી મંડેએ કહ્યું હતું કે ફેલૂદા ટેસ્ટમાં સમયનો બચાવ કરશે. તેનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળે છે. જ્યારે RT PCRમાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. તદઉપરાંત RT PCRકીટની તુલનામાં ત્રણ થી પાંચ ગણી સસ્તી પણ છે.

પ્રેગનેન્સી સ્ટ્રિપ ટેસ્ટ જેવી
COVID-19 ટેસ્ટ માટે વિકસિત કરાયેલ ફેલુદા ટેસ્ટ ગર્ભાવસ્થાની સ્ટ્રિપ ટેસ્ટ જેવી જ છે. આ સ્ટ્રિપનો ઉપયોગ પૈથ લેબમાં સરળતાથી થઈ શકે છે. CSIRના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે આ કીટની મદદથી આપણે ગામ વગેરેમાં સરળતાથી ટેસ્ટ કરી શકીશું, જે RT PCR કીટથી શક્ય થઇ શકે નહીં, કેમ કે ટેસ્ટ માટે મોટી સંખ્યામાં સાધનોની જરૂર પડે છે. તેમણે કહ્યું કે ફેલુદાની સૌથી સારી વાત એ છે કે તે ઓછા સમયમાં સચોટ પરિણામો આપે છે.

સ્ટ્રિપ પર હોય છે બે લાઇનો
વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.દેબોજ્યોતિ ચક્રવર્તી (Debojyoti Chakraborty) એ જણાવ્યું હતું કે Cas9 પ્રોટીનને બારકોડ કરવામાં આવી છે જેથી તે દર્દીના જીનેટિક મટિરિયલમાં કોરોના વાયરસ સિક્વન્સને શોધી શકે. આ સ્ટ્રિપ પર બે લાઇનો છે જે દર્શાવે છે કે સંબંધિત વ્યક્તિને કોવિડ -19 છે કે નહીં. તેમણે આગળ કહ્યું કે સ્ટ્રીપ પર બે લીટીઓ છે, એક લીટી એ કંટ્રોલ લાઈન છે જે દરેક સ્ટ્રીપ પર હોય છે, અને તે બતાવે છે કે સ્ટ્રીપ યોગ્ય રીતે કામ કરી રહી છે અને બીજી ટેસ્ટ લાઈન જે માત્ર પોઝિટિવ આવે છે જ્યારે COVID-19 અનુક્રમ પ્રારંભિક આરએનએમાં હાજર હતો.

સરળતાથી પડશે ખબર
ડૉ.ચક્રવર્તીએ જણાવ્યું હતું કે નેગેટિવ સેમ્પલમાં ટેસ્ટ લાઇન દેખાશે નહીં. તેથી ટેસ્ટ લાઇનની સ્થિતિ જોઈને તમે જાણી શકશો કે સંબંધિત વ્યક્તિ કોરોના પોઝિટીવ છે કે નહીં. આ પ્રોજેક્ટ પર કામ કરતાં અન્ય વૈજ્ઞાનિક મનોજ કુમારે કહ્યું કે આ વિચાર ડૉક્ટર ચક્રવર્તી અને સૌવિક મૈતીનો છે જે અમારી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અમે આ ખાસ સ્ટ્રિપ્સનો ઉપયોગ COVID ટેસ્ટ માટે કરી રહ્યા છીએ, જેને અંદાજે બે વર્ષ પહેલાં સિકલ સેલ એનીમિયા માટે વિકસિત કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here