કોવિડ-૧૯ની મહામારીના વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ અર્થવ્યવસ્થાઓ ખૂલી રહી છે. ભવિષ્યની આર્થિક પ્રવૃત્તિઓની યોજના બનાવતી વખતે વાઇરસનું સંક્રમણ લાંબાગાળા સુધી ચાલશે તેવી અનિશ્ચિતતા એક ચિંતાનો મુદ્દો બની રહ્યો છે. નીતિ ઘડવૈયાઓ બેધારી તલવાર સાથે કામ લેતા હોય છે કારણ કે, અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા આર્થિક રાહતો લોકોની સલામતી સાથે સંતુલિત રાખવી જરૂરી હોય છે. એક દિશામાં ઉઠાવેલું પગલું અન્યો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.

આપણે નવી બિઝનેસ સાઇકલના પ્રારંભમાં ઊભા છીએ અને એવું જરૂરી નથી કે છેલ્લા એક દાયકામાં અર્થશાસ્ત્રને આગળ વધારનારા ક્ષેત્રો ભવિષ્યમાં પણ નેતૃત્વ કરશે. ઊભરતી અર્થવ્યવસ્થાઓમાં પ્રચલિત અસંતુલિત વૃદ્ધિના સિદ્ધાંતને કારણે વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ તેમને અન્યોની તુલનામાં વધુ ઝડપી ગતિથી આગળ વધવામાં મદદરૂપ બનશે. કેટલાક ક્ષેત્રોમાં આ ઝડપી વૃદ્ધિ તેના ઉપર આધારિત ક્ષેત્રોને બળ પૂરું પાડશે અને સમય જતાં તેને આગળ પણ લાવશે.

પોલિસી આઉટલૂક 

વર્તમાન તબક્કે, નીતિ ઘડવૈયાઓ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય અને રાજકોષીય નીતિના પગલાંનો ઉપયોગ કરી રહ્યા છે. આ પગલાંઓ પૈકી એક છે વ્યાજ દર. હાલ રેપો રેટ ચાર ટકા છે જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી નીચો રેટ છે. દરમાં ઘટાડો કરવાની બીજી તરફ ફુગાવો વધવાનો ભય છે, ત્યારે એક નાજુક સંતુલન જાળવવાની જરૂર છે.

ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો કરવો કે નહીં તે અંગેની ચર્ચા કરવા માટે તારીખ ૭થી ૯ ઓક્ટોબર દરમિયાન મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાઈ હતી. અલબત, ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની સંભાવના બહુ જ ઓછી છે કારણ કે, હાલ રિટેલ ફુગાવો ૬.૬૯ ટકા છે. જે આરબીઆઈએ અર્થવ્યવસ્થા માટે નિર્ધારિત કરેલા ૬ ટકાના સ્તર કરતા ઊંચો ફુગાવો છે.

સીપીઆઈ (કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ)ની વાત કરીએ તો એપ્રિલમાં ૭.૨ ટકા જેટલા ઊંચા સ્તરે હતો. ડબ્લ્યૂપીઆઈ (હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ) કે જે છેલ્લા ૫ મહિનાના મોટાભાગના સમયગાળામાં ડિફ્લેશનરી મોડમાં હતો, તે હવે ૦.૧૬% થઈ ગયો છે. જથ્થાબંધ સ્તરે, કન્ઝયુમર લેવલની તુલનાએ માગ ઝડપી દરે સુધરી રહી છે.

સેક્ટોરલ ઇનસાઇટ્સ 

લાર્જ-કેપ કંપનીઓ લોકડાઉનમાંથી અર્થવ્યવસ્થા ખૂલી રહી હોવાનો ફાયદો ઉઠાવે તેવી સંભાવના છે કારણ કે, તેમની પાસે ટકી રહેવા માટે પૂરતું નાણાકીય ભંડોળ છે. લોકડાઉનની સંપૂર્ણ અસર તમામ પ્રકારના પચારિક સેક્ટર ઉપર વધારે પડી શકે છે, કારણ કે તેમના બિઝનેસને ટકાવી રાખવા માટે સતત રોકડ પ્રવાહ પર નિર્ભર રહેતા એવા અસંગઠિત ક્ષેત્ર અને એસ.એમ.ઇ.ને કામકાજ બંધ કરવા પડી શકે છે.

વ્યક્તિગત ક્ષેત્રોમાં, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટર કે જે આપણા અર્થતંત્ર માટે જીવનરેખા છે તે નજીકના સમયમાં અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યાં છે. મોરેટોરિયમ પિરિયડ સમાપ્ત થતાં, રિટેલ સેગમેન્ટમાં વહેલી તકે તીવ્ર વૃદ્ધિ થવાની ધારણા છે. રિટેલ ક્રેડિટ ખાસ કરીને ઓટો લોનમાં ડિફેલ્ટનું જોખમ સૌથી વધુ હોય છે. જો કે બેંકો તેમના ચોપડે એનપીએ જાહેર કરે તે પછી જ ચિત્ર ૨૦૨૧ની શરૂમાં સ્પષ્ટ થશે.

કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો કે જે દેશમાં સૌથી વધુ રોજગારી આપનાર ક્ષેત્ર છે, તેમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. જેમ-જેમ અર્થતંત્ર પરિપક્વ થાય તેમ કન્ઝયુમર સેક્ટર અર્થતંત્રની સ્થિતિનું મુખ્ય સૂચક બની જાય છે. ભારતમાં મધ્યમ વર્ગની વધતી આવક સાથે આપણે આ ઘટનાને ઝડપથી વિસ્તૃત થતી જોઈ રહ્યા છીએ. તે બાબત સ્થિર થતાં, કન્ઝયુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ ૬૩.૭ થયો છે જે એક મહિનામાં ૨૫.૫% ઘટયો છે. તે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ અને અર્થતંત્ર વિશેના તેમના દૃષ્ટિકોણને દર્શાવે છે. ઊંચા ફુગાવા અને રોકડ પ્રવાહમાં ઘટાડાથી રિટેલ વેપારીઓ-ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

નજીકના સમયગાળાનું આઉટલૂક 

એવી અટકળો વહેતી થઈ છે કે સરકાર અર્થતંત્રના એવા લક્ષ્યાંકિત ક્ષેત્રોની બીજા પ્રોત્સાહક પેકેજમાંથી બાદબાકી કરવાની વિચારણા કરશે જેમણે તાજેતરમાં રિકવરીના સંકેત આપ્યા નથી. પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ્સ સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવનાર સૌથી લોકપ્રિય પ્રસ્તાવ પૈકીની એક છે. અગાઉ ઉલ્લેખિત ‘થિયરી ઓફ અનબેલેન્સ્ડ ગ્રોથ’નો લાભ ઉઠાવવાની વિચારણા છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રમાં રોકાણને વેગ આપીને ડિમાન્ડ વધારી શકાય.

કન્ઝયુમર સેન્ટિમેન્ટને પુનર્જીવિત કરવા માટે સરકાર તહેવારોની સિઝનનો ઉપયોગ ખર્ચને પ્રોત્સાહિત કરવાના મંચ તરીકે કરી શકે છે. ખર્ચને વધારવા માટે તહેવારોમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફ્ર જેવા પ્રોત્સાહનોને આવરી શકાય છે. કેટલીક પ્રોડક્ટસ પર હંગામી જીએસટી ઘટાડો જેવા નોન- ડાયરેક્ટ બેનિફિટ્સ પણ આપી શકાય.

ઉપસંહાર 

વર્લ્ડ બેંકે આ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થામાં ૯.૮ ટકાનું સંકોચન થવાની આગાહી કરી છે. અમે જથ્થાબંધ માગમાં સુધારો જોઈ શકીએ છીએ પરંતુ આને કન્ઝયુમર સેક્ટરમાં લઈ જવાની આવશ્યકતા છે જે હજી દબાણ હેઠળ છે. સરકારી ખર્ચ અને પ્રોત્સાહન કાર્યક્રમો દ્વારા ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધારવાની આવશ્યકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here