। ન્યૂયોર્ક ।
કોરોના મહામારી વૈશ્વિક વૃદ્ધિની તરાહ જ બદલી નાખશે. આઇએમએફના ડેટાના વિશ્લેષણ આધારે બ્લૂમબર્ગે જણાવ્યા મુજબ વૈશ્વિક વૃદ્ધિમાં ચીનની ભાગીદારી વર્ષ ૨૦૨૧ સુધીમાં વધીને ૨૬.૮ ટકા અને વર્ષ ૨૦૨૫ સુધીમાં તો વધીને ૨૭.૭ ટકા થઇ જશે. વૈશ્વિક ઉત્પાદનમાં ચીન અમેરિકાને પણ પાછળ રાખી દેશે. અહેવાલમાં જણાવ્યા મુજબ આવતા વર્ષે ભારત, જર્મની અને ઇન્ડોનેશિયાનો વિશ્વના પાંચ ટોચના ગ્રોથ એન્જિનમાં સમાવેશ થઇ જશે. IMFના આંકો સૂચવે છે કે આ વર્ષે વૈશ્વિક જીડીપીમાં ૪.૪ ટકાનું ગાબડું સર્જાય તેવા સંકેત છે.
આવતા વર્ષે ચીન ૮.૨ ટકાનો વૃદ્ધિદર નોંધાવે તેવા સંકેત
IMFના અંદાજો મુજબ ચીન આવતા વર્ષે ૮.૨ ટકાનો વૃદ્ધિદર નોંધાવે તેવા સંકેત છે. આઇએમએફે એપ્રિલ મહિનામાં જાહેર કરેલા અંદાજો કરતાં આ વૃદ્ધિદર થોડો નીચો છે, પરંતુ વિશ્વના કુલ વૃદ્ધિદરમાં તેનું પ્રદાન ખૂબ મોટું રહેશે. વિશ્વ વૃદ્ધિદરમાં ચીનનું પ્રદાન ચોથાભાગનું રહે તેવા સંકેત છે. ૩.૧ ટકા વૃદ્ધિદર સાથે વર્ષ ૨૦૨૧માં વિશ્વ વૃદ્ધિદરમાં અમેરિકાની ભાગીદારી ૧૧.૬ ટકા જ રહેવાની સંભાવના વ્યક્ત થઇ છે.
જીવનધોરણ નીચું જશે, ગરીબો વધુ ગરીબ બનશે
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહામારીને કારણે બે દાયકામાં પહેલી જ વાર અત્યંત ગરીબીનું પ્રમાણ ફરી ઊંચું જશે. ઉત્પાદનમાં ગાબડાં પડતાં મહામારી પહેલાંના સમયને મુકાબલે જીવનધોરણ નીચું જશે. ગરીબો વધુ ગરીબ બનશે અને આ વર્ષે ૯ કરોડ જેટલા લોકો અત્યંત વંચિતોની કક્ષામાં પહોંચી જશે.