યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો RTIમાં ઘટસ્ફોટ થતા ચકચાર મચી ગઈ હતી.
- અમદાવાદના પૂર્વ મેયર અને ભાજપના નેતા ભાવના દવેનું ભરતી કૌભાંડ
- ગ્રંથ નિર્માણ બોર્ડમાં સગા-વ્હાલઓને ગોઠવી દીધા
- RTIમાં સમગ્ર મામલો સામે આવ્યો
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ભાવના દવે દ્વારા સિનિયર-જુનિયર કલાર્કની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોબાઇલ એપ્લિકેશનથી ભરતીપ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર-જુનિયર કલાર્ક તરીકે પસંદ કરાયાં છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં કાર્યરત ઉમેદવારે કરેલી આરટીઆઇમાં માહિતી મેળવવામાં આવતાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.
130 ઉમેદવાર પાસ થયા છતાં 50ને ઇન્ટરવ્યુમાં બોલાવાયા
આરટીઆઇમાં કંપનીને કેટલો ખર્ચ ચૂકવ્યો એની માહિતી ન આપી. પરીક્ષામાં કુલ 2200 અરજી આવી હતી, એ પૈકી 1600 ઉમેદવારે પરીક્ષા આપી હતી. 130 ઉમેદવાર પાસ થયા છતાં 50ને ઇન્ટરવ્યુમાં બોલાવાયા હતા.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષપદે પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય ભાવના દવે કાર્યરત છે. તેમણે બોર્ડમાં સિનિયર-જુનિયર કલાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજૂર કરાવી 9 મહિના પહેલાં મોબાઇલ એપ્લિકેશનથી ભરતી કરી હતી. પોતાના જ સગા ભત્રીજાની કંપનીને ટેન્ડરપ્રક્રિયા હાથ ધર્યા વગર આ પરીક્ષાનો કોન્ટ્રેકટ આપ્યો હતો.
સિનિયર કલાર્ક ભાવના દવેના સગા
આરટીઆઇ દ્વારા માગવામાં આવેલી માહિતીમાં એ વાત સાબિત થાય છે કે સિનિયર કલાર્ક તરીકે પસંદગી પામેલા મિલન પંડયા ભાવનાના કૌટુંબિક સગા થાય છે.
શું કહે છે ગ્રંથ નિર્માણ બોર્ડ
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભરતી કૌભાંડના આક્ષેપને બોર્ડના પ્રકાશન અધિકારીએ ખોટા ગણાવ્યા છે. બોર્ડ દ્વારા ભાવનાબેન દવેનો બચાવ કરાયો છે. બોર્ડે કહ્યું કે રાજ્ય સરકારની મંજૂરી પછી પરીક્ષા લેવાઇ છે. અને 5 RTI મળી એનો જવાબ આપ્યો છે. RTI બાદ તપાસ માટે સમિતીની રચના કરાઇ હોવાનો પણ દાવો કરાયો છે. બોર્ડે કહ્યું કે સમિતિએ જે પુરાવા માગ્યે તે આપ્યા છે. અને બોર્ડના બંધારણ મુજબ જ તમામ કાર્યવાહી હાથ ધરાઇ છે.