પોલીસ કમિશનર વેશપલટો કરીને પોલીસ સ્ટેશનની તપાસ કરીને કર્મચારીઓની સજ્જતા તપાસે છે પરંતુ બીજી તરફ ખાળે ડૂચા અને દરવાજા મોકળા હોય તેમ ગુનેગારો સરેઆમ ગુના આચરે છે. આનંદનગર વિસ્તારમાં બિલ્ડરની દીકરી વોકમાં જતી હતી ત્યારે એક રોમિયો સરાજાહેર તેની છેડતી કરીને નાસી જતા પોલીસનું નાક કપાયું છે.

આનંદનગરના બંધન પાર્ટી પ્લોટ પાસે રવિવારે સાંજે બિલ્ડરની ૨૨ વર્ષીય આર્કીટેક દિકરી વોક કરવા માટે નિકળી હતી. આ સમયે પાછળથી એક્ટીવા પર આવેલા શખશે યુવતીના થાપા પર હાથ મારી છેડતી કરી હતી. ગભરાઇ ગયેલી યુવતીએ પોલીસને જાણ કરતા આનંદનગર પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ કબ્જે કરી ગુનો નોધી તપાસ હાથ ધરી છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ શહેરની એક મોટી યુનિવર્સિટીમાં આર્કિટેકટનો અભ્યાસ કર્યો છે. તેના પિતા બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનુ કામ કરે છે.

એક મોટી કલબમાં યુવતી મેમ્બર હોવાથી રોજ સાંજે જીમમાં જતી હતી પરંતુ કોરોનાના કારણે જીમ બંધ હોવાથી તે જઇ શકતી ન હતી. ગત રવિવારે સાંજે સાતેક વાગ્યે યુવતી બંધન પાર્ટી પ્લોટથી અશ્વમેઘ બંગલો તરફ રોડની સાઇડમાં વોક કરવા નિકળી હતી. આ સમયે એક્ટીવા પર યુવક આવ્યો અને યુવતીના થાપા પર હાથ મારી જતો રહ્યો હતો. થાપા પર હાથ મારતા યુવતી ગભરાઇ ગઇ હતી. તે યુવકને જોવે તે પહેલા ભાગી ગયો હતો.

પાર્શ્વ શાહે મોર્નિંગ વોકમાં નીકળતી યુવતીઓની છેડતી કરી હતી

૨૦૧૯માં ૩૦ મેના રોજ થલતેજમાં રહેતી સગીરા વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળી ત્યારે પાછળથી બાઈક લઈને આવેલો પાર્શ્વ શાહે યુવતીના છાતીના ભાગે અડપલા કરી ભાગી ગયો હતો. પાર્શ્વ શાહ પકડાતા છેડતીનો ભોગ બનનાર અન્ય યુવતીઓએ પણ ઓળખી બતાવ્યો હતો. પરણીત હોવા છતાં પાર્શ્વએ  ૨૦૧૮માં પણ છેડતી કરી હોવાનુ બહાર આવ્યું હતુ.

મ્યુનિસિપલ ગાર્ડન પાસે શંકાસ્પદ છોકરાઓની બેઠક

બંધન પાર્ટી પ્લોટ રોડ પર આવેલા મ્યુનિસિપલ ગાર્ડન પાસે કેટલાક છોકરાઓ બેઠા હતા. આ છોકરાઓમાંથી તેની પાછળ આવી કોઇ છોકરાએ આ હરકત કરી હોવાનુ યુવતી માની રહી છે. આનંદનગર પોલીસે ગાર્ડન નજીક આવેલા સીસીટીવીના ફુટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here