કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  હાલ પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડની મુલાકાતે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતી વખતે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath) ના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કમલનાથના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી, રાહુલ ગાંધીએ કહ્યું કે  કોઈ પણ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરી શકે નહીં. 

મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી ઈમરતી દેવીને ‘આઈટમ’ કહેવા બદલ વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે “કમલનાથજી મારી પાર્ટીના છે, પરંતુ જે પ્રકારની ભાષાનો તેમણે ઉપયોગ કર્યો છે તેને હું પસંદ કરતો નથી. હું તેને એપ્રિશિએટ કરતો નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે.” રાહુલ ગાંધીએ કહ્યું કે જે પ્રકારનો વ્યવહાર મહિલાઓ સાથે થાય છે તેને સુધારવાની જરૂર છે. મહિલાઓ આપણી શાન છે. હું આવી ભાષાને પ્રોત્સાહન આપતો નથી.  રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે વાયનાડ પહોંચ્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિશાના પર મોદી સરકાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના મહામારીના કારણે દુનિયા સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ ખરાબ સમયગાળો છે અને કેન્દ્રને અપીલ કરી હતી કે ગરીબોની મદદ કરો. 

કમલનાથે કરી હતી વિચિત્ર સ્પષ્ટતા
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આઈટમવાળા નિવેદન પર સ્પષ્ટતા કરવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાં, મેં આઈટમ કહ્યું. કારણ કે તે અસન્માનજનક શબ્દ નથી. તેમણે કહ્યું કે લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે. 

કમલનાથે દગો કર્યાનો લગાવ્યો આરોપ
વિવાદ બાદ કમલનાથે કહ્યું કે “શિવરાજજી તમે કહો છો કે કમલનાથે આઈટમ કહ્યું. હાં મે આઈટમ કહ્યું. કારણ કે આ કોઈ અપમાનજનક શબ્દ નથી. હું પણ આઈટમ છું તમે પણ આઈટમ છો અને આ અર્થમાં આપણે બધા આઈટમ છીએ. લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે. શું તે અપમાનજનક છે? સામે આવો અને મુકાબલો કરો. સહાનુભૂતિ અને દયા ભેગી કરવાની કોશિશ એ જ લોકો કરે છે જેમણે જનતાને દગો કર્યો હોય.”

કઈ વાત પર શરૂ થયો વિવાદ
મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણી થઈ રહી છે અને કમલનાથ ડબરામાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજેના સમર્થનમાં પ્રચાર માટે પહોંચ્યા હતાં. પ્રચાર દરમિયાન તેઓ પોતાની મર્યાદા ભૂલ્યા અને ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીને આઈટમ કહી દીધુ. આ બાજુ કોંગ્રેસ નેતા અજય સિંહે જલેબી કહી નાખ્યું. 

ભાજપે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
ઈમરતી દેવીને લઈને કરાયેલી કમલનાથની ટિપ્પણી પર ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. ભાજપની માગણી છે કે કમલનાથના પેટાચૂંટણી પ્રચાર પર રોક લગાવવામાં આવે. ભાજપે કહ્યું કે મહિલા આયોગ અને અનુસૂચિત જાતિ આયોગમાં પણ કમલનાથની ફરિયાદ કરવામાં આવશે. આ બાજુ ઈમરતી દેવીએ સોનિયા ગાંધીને કમલનાથને પાર્ટીમાંથી કાઢવાની માગણી કરી છે. 

ભાજપના પ્રદેશ મહામંત્રી કવિતા પાટીદારે કહ્યું કે કમલનાથે નારી જીતિની સાથે અનુસૂચિત જાતિનું પણ અપમાન કર્યું છે. આ બાજુ કોંગ્રેસ પૂર્વ સીએમ કમલનાથને બચાવવામાં લાગી છે અને સીધે સીધુ નકારી રહી છે કે કમલનાથે એવી કોઈ ભાષાનો ઉપયોગ કર્યો નથી. તેઓ આવી ભાષા બોલી જ ન શકે. 

શિવરાજ સિંહે ગણાવ્યું મધ્ય પ્રદેશની દીકરીઓનું અપમાન
કમલનાથના નિવેદન પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નિશાન સાધ્યું  અને ભોપાલમાં બે કલાકના મૌન ધરણા પર બેઠા. તેમણે કહ્યું કે ‘આ ફક્ત ઈમરતી દેવીનું નહીં પરંતુ મધ્ય પ્રદેશની દીકરીઓ/બહેનોનું પણ અપમાન છે. કમલનાથ એક પુત્રી માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. જેણે આટલા લાંબા સમય સુધી કોંગ્રેસની સેવા કરી. આ એ જ દેશ છે, જ્યાં દ્રોપદીનો અનાદર કરતા મહાભારત થયું હતું. લોકો આ સહન નહીં કરે. તેમને શરમ આવવી જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here