ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર રહેલાં વિરેન્દ્ર સેહવાગ (Virender Sehwag)નો આજે 42મો જન્મદિવસ છે. 20 ઓક્ટોબર 1978માં જન્મેલ સેહવાગ દુનિયાનો એકમાત્ર કેપ્ટન છે કે જેણે કેપ્ટન તરીકે વનડેમાં ડબલ સેન્ચુરી ફટકારી છે. સેહવાગે ભારત તરફથી ટેસ્ટમાં ત્રિપલ સેન્ચુરી લગાવનાર પહેલો ભારતીય બેટ્સમેન પણ છે.

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર રહેલાં સેહવાગની ઈનિંગ્સ જોયા બાદ આજે પણ લોકો તેના વખાણ કરવાનું ચૂકતા નથી. ભારતીય ક્રિકેટમાં સેહવાગ જેવો વિસ્ફોટક ઓપનર બીજો કોઈ આવ્યો નથી. તેની રમવાની રીત એવી હતી કે દુનિયાનો કોઈપણ બોલર તેનાથી ડરી જતો હતો. સેહવાગના નામે આમ તો અનેક રેકોર્ડ્સ છે પણ એક કમાલ જે આજ સુધી દુનિયાનો બીજો કોઈ ખેલાડી નથી કરી શક્યો તે છે સુકાની તરીકે વનડેમાં ડબલ સેન્ચુરી ફટકારવી.

વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝની સામે રમી સૌથી મોટી ઈનિંગ

સેહવાગે 2011ના ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝની સામે રમતાં ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં પોતાના કેરિયરની પહેલી ડબલ સેન્ચુરી બનાવી હતી. સચિન તેંડુલકર બાદ આવું કારનામું કરનાર તે બીજો ભારતીય છે. ફક્ત 149 બોલ પર સેહવાગે 219 રનની બેમિસાલ ઈનિંગ રમી હતી. જેમાં તેણે 25 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝની સામે 418 રન બનાવ્યા હતા અને 153 રનની મોટી જીત હાંસલ કરી હતી.

વન ડેમાં બેવડી સદી ફટકારનાર એકમાત્ર કેપ્ટન સેહવાગ

વેસ્ટ ઈન્ડિઝની સામે સેહવાગે પોતાની ડબલ સેન્ચુરી એક કેપ્ટન તરીકે બનાવી હતી. આ મેચમાં તે ટીમનું સુકાન પદ સંભાળી રહ્યો હતો અને પોતાના વન ડે કેરિયરની સૌથી મોટી ઈનિંગ રમીને તેને યાદગાર બનાવી દીધી હતી. સેહવાગ દુનિયાનો એકમાત્ર કેપ્ટન છે કે જેણે વન ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી બનાવી હોય.

ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ત્રિપલ સેન્ચુરી બનાવવાનો કીર્તિમાન પણ સેહવાગના નામે છે. પાકિસ્તાનના મુલ્તાનમાં તેણે વર્ષ 2004માં 309 રનની શ્રેષ્ઠ ઈનિંગ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનની સામે ઈનિંગ અને 52 રનથી જીત હાંસલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here