બાવળાના મિત્તલ એજયુકેશન ટ્રસ્ટના કર્મચારીઓએ આણંદના માધવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બ્લેકના વ્હાઈટ કરાવી આપવાની લાલચ આપી હતી, બ્લેકના સાડા ત્રણ કરોડ રૂપિયા લઇને દોઢ કરોડનો ફાયદો કરાવી ટ્રસ્ટીઓને પાંચ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહ્યું હતું, કામ થયું નહીં અને પૈસા પણ પાછા આપી શક્યા નહોતા, જેના કારણે આણંદના ૫ ટ્રસ્ટીઓએ બાવળાના મિત્તલ ટ્રસ્ટના એક મહિલા સહિત ત્રણ જણાનું અપહરણ કરી ગોંધી રાખી છોડવા માટે પચાસ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ઘોડાસરના જીવણપાર્ક પાસેના યોગેશ્વર ટેનામેન્ટમાં રહેતા મનસુખભાઇ ભવજીભાઇ પટેલ બાવળામાં મહિલાઓ માટે કામ કરતા મિત્તલ એજયુકેશન ટ્રસ્ટમાં મહિલાઓને સીલાઇ કામ કરવાનુ શીખવાડે છે. તેમની સાથે મહેશભાઇ અને ઉષાબેન પણ કામ કરે છે.
આ ત્રણેય જણાને આણંદમાં માધવ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઇને ઓળખતા હતા. રાજુભાઇને આણંદમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવી હતી. તેમને એક કરોડની જરૂર હતી. જેથી રાજુભાઇએ મનસુખભાઇને વાત કરી હતી. એટલે મનસુખભાઇ, મહેશભાઇ અને ઉષાબેને રાજુભાઇને વાત કરી હતી કે તમે બ્લેકના સાડા ત્રણ કરોડ રૂપિયા અમને આપો તો તમારે દોઢ કરોડ રૂપિયાનો ફાયદો થશે.
અમે તમને વ્હાઇટ કરીને એક જ દિવસમાં પાંચ કરોડ આપીશુ. જેથી રાજુભાઈએ સાડાત્રણ કરોડ આપ્યા પણ બીજા દિવસે પૈસા મળ્યા નહોતા. મનસુખભાઇ અને તેમના સાથીદારોએ કહ્યુ હતુ કે અમે આણંદમાં આંગડીયા પેઢીમાં પૈસા મોકલી દીધા છે. જો કે આ પેઢી તો ૧૫ દિવસથી બંધ હતી.
આ કેસમાં મનસુખભાઇ તેમજ મહેશભાઇ અને ઉષાબેનનુ અપહરણ કરીને રાજુ સહિતના આરોપી આણંદ લઈ જઈ ઓરડીમાં ગોંધી રાખ્યા હતા. આખરે મનસુખભાઇના ફોનથી રાજુભાઇએ દિપને ફોન કરીને ધમકી આપી હતી કે તારા પિતા અમારી પાસે છે, મુકત કરાવવા હોય તો ૫૦ લાખ રૂપિયા આપીને લઇ જા.