કેનેડાની એસેટ મેનેજમેન્ટ કંપની બ્રૂકફિલ્ડ દ્વારા બેંગ્લુરૂમાં RMZ કોર્પ પાસેથી આશરે રૂ. ૧૪,૬૮૦ કરોડમાં ૧૨૫ લાખ ચોરસ ફૂટ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવામાં આવી છે. ભારતમાં કોમર્શિયલ પ્રોપર્ટીનો આ મોટામાં મોટો સોદો છે. RMZ ગ્રૂપ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. બ્રુકફિલ્ડનો સાઉથ એશિયામાં આ સૌથી મોટો રિયલ એસ્ટેટ સોદો છે.

RMZ ગ્રૂપ પાસે ૬૭૦ લાખ ચોરસ ફૂટ જગ્યા, ૧૦ અબજ ડોલરની એસેટ

પ્રાઈવેટ રિયલ એસ્ટેટ કંપની આરએમઝેડનાં ગ્રૂપ પોર્ટફોલિયોમાં કુલ ૬૭૦ લાખ ચોરસ ફૂટ જમીન છે. જેમાંથી ૧૮ ટકા જગ્યા કેનેડાની કંપની બ્રૂકફિલ્ડને વેચવામાં આવી છે. આ સોદામાં RMZના કો વર્કર્સ પણ સામેલ છે. RMZના ચેરમેન મનોજ મેન્દાએ કહ્યું હતું કે, આ રોકાણ પછી RMZ વિશ્વ સ્તરે પહેલી ઝીરો ડેબ્ટ કંપની બની છે. આ સોદા પછી કંપની તેનો પોર્ટફોલિયો ૮૫૦ લાખ ચોરસ ફૂટનો બનાવવા માગે છે. જેનો લક્ષ્યાંક ૬ વર્ષમાં પૂરો કરાશે. RMZના એમડી અર્શદીપસિંહ સેઠીએ કહ્યું હતું કે, કોમર્શિયલ રીઅલ એસ્ટેટ ઉદ્યોગ માટે આ સોદો ઘણો પ્રભાવશાળી રહેશે. કંપની ૧૦ અબજ ડોલરની એસેટ ધરાવે છે.

મહાકાય સોદાને કારણે RMZ ગ્રૂપ દેવાં મુક્ત થઇ

આ સોદાને કારણે RMZ ગ્રૂપ દેવાં મુક્ત થઈ છે. RMZ એક પ્રાઈવેટ રિયલ એસ્ટેટ કંપની છે જેનાં માલિક રાજ મેન્દા અને મનોજ મેન્દા છે. આ સોદાને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ૨૯ સપ્ટેમ્બરે મંજૂરી અપાઈ હતી.

ભારતમાં બ્રૂકફિલ્ડ કંપની રીઅલ એસ્ટેટ સેકટરમાં તેનું સ્થાન મજબૂત બનાવી શકશે

આ સોદાથી બ્રૂકફિલ્ડ ભારતમાં રીઅલ એસ્ટેટમાં તેનું સ્થાન વધારે મજબૂત બનાવી શકશે. બ્રૂકફિલ્ડે ૨૦૧૪માં યુનિટેક પાસેથી ગુરુગ્રામ, નોઈડા અને કોલકાતામાં ૬ SEZ ખરીદ્યા હતા. આ સોદો રૂ. ૩૦૦૦ કરોડમાં થયો હતો. ૨૦૧૬માં કંપનીએ મુંબઈમાં રૂ. ૬૭૦૦ કરોડમાં હીરાનંદાની ગ્રૂપ પાસેથી મુંબઈમાં સ્પેસ ખરીદી હતી.

અમેરિકાની બ્લેકસ્ટોન કંપનીનું ભારતમાં ૮ અબજ ડોલરનું રોકાણ

અમેરિકાની કંપની બ્લેકસ્ટોન દ્વારા ભારતમાં રીઅલ એસ્ટેટમાં ૮ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. તેણે બેંગ્લુરૂના સલારપુરિયા, સત્વ અને પૂણેની પંચશીલ રિયલ્ટીમાં કરોડોનું રોકાણ કર્યું છે. ૨૦૧૯માં દેશમાં કુલ ૪૭૦ લાખ ઓફિસ સ્પેસ લીઝ પર હતી જેમાં કોરોનાને કારણે થોડો ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here