પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પરિવારના સભ્યોએ બનાવટી દસ્તાવેજો આધારે ખેડૂતોની જમીનો પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. પોપ્યુલર બિલ્ડરના જમીન કૌભાંડમાં અત્યાર સુધી આઠ મંડળીઓના નામ ખૂલ્યા છે, જોકે આઠ મંડળીઓ તો પાશેરીમાં પુણી સમાન છે, હકીકતમાં પોપ્યુલર બિલ્ડરના જમીન કૌભાંડના રેલા ૬૦ મંડળીઓ સુધી જોડાયેલા છે. થલતેજની જમીનનું કૌભાંડ હમણાં જ સામે આવ્યું છે.

અલબત્ત, શહેરી ટોચ મર્યાદા (યુએલસી) અને ખેત જમીન ટોચ મર્યાદા (એએલસી)ની ફાજલ જમીનો પચાવી પાડવાના કૌભાંડો આગામી દિવસોમાં બહાર આવશે. અનેક જમીન કૌભાંડોની ભીતિ વચ્ચે રાજ્ય સરકારના સહકાર વિભાગે અમદાવાદ જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસેથી વિગતો મંગાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના જમીન કૌભાંડમાં ૪૦થી ૬૦ જેટલી ખેતી સહકારી મંડળીઓ અને કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નામો આગામી દિવસોમાં ખૂલે તેવો વર્તારો છે. ૮૦ના દાયકામાં શહેરી ટોચ મર્યાદા સહિતના કાયદા આવ્યા ત્યારે ફાજલ જમીનો પાવર ઓપ એટર્ની મારફત પડાવી લેવાઈ હતી, આ સ્થિતિમાં થલતેજનો જે કેસ સામે આવ્યો એવા અન્ય કેસો આગામી દિવસોમાં બહાર આવે તેવી શક્યતા છે.

મહત્ત્વનું છે કે, થલતેજ ગામની સીમમાં આવેલી કરોડોની ખેડૂતોના નકલી પાવર ઓફ એટર્ની આધારે પચાવી પાડવામાં આવી હતી, મૃતક ખેડૂતના નામની જમીન પચાવી પાડવામાં આવી હતી, થલતેજની જમીન બોગસ પાવરના આધારે ક્રેડિટ સોસાયટી બનાવીને ખેડૂતોની જગ્યાએ પોતાના પરિવારના સભ્યોના નામે જમીન કરાવી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે પોપ્યુલર ગ્રૂપના પરિવારના ૯ સભ્યો સામે ગુનો નોંધ્યો હતો.

ખેડૂતોની જમીન પચાવવાના કેસમાં રમણ-દશરથ પટેલની ધરપકડ થશે

બોગસ મંડળી બનાવી ગરીબ ખેડૂતોની જમીન પડાવી  લેવામા માહેર પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ, દશરથ  પટેલ સહિત પરિવારના ૯ સભ્યો સામે બનાવટી દસ્તાવેજોના  આધારે જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો હતો. આ  કેસમાં પોલીસે રજીસ્ટ્રાર ઓફિસ, મામલતદાર ઓફિસ સહિત સરકારી  કચેરીઓમાંથી આ જમીન પ્રકરણ સંબંધી દસ્તાવેજો મગાવી  તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. તેવામાં બોગસ મંડળીઓ  બનાવી અનેક ખેડૂતોની જમનો પચાવી પાડી હોવાનુ પ્રાથમિક  તપાસમાં બહાર આવ્યું છે.

પુત્રવધૂ ફીઝુ પટેલ પર અત્યાચાર અને  હત્યાની કોશિષના ગુનામાં હાલ રમણ, દશરથ, મૌનાંગ અને  વીરેન્દ્ર સેન્ટ્રલ જેલમાં હોવાથી તેમને ટ્રાન્સફર વોરન્ટ આધારે  ધરપકડ કરવા માટે વસ્ત્રાપુર પોલીસે તૈયારી હાથ ધરી છે.  ઇન્કમટેક્ષ વિભાગે પાડેલા દરોડામાં જથ્થાબંધ સહકારી મંડળીઓના  દસ્તાવેજો મળ્યા હતા જેમાં અનેક ખેડૂતો સાથે મંડળીઓ બનાવી  ઠગાઇ કરી હોવાનુ બહાર આવ્યું છે.

થલતેજ ગામમાં આવેલી ચંચળબહેનની સર્વે નંબર – ૪૬૫/૧  અને ૪૬૫/૨ ની જમીન ખોટા પાવરના આધારે લખાવી લીધી હતી.  ત્યાર બાદ સરસ્વતી સ્મૃતિ સમુદાય ખેતી સહકારી મંડળીના નામે  આ જમીનનો દસ્તાવેજ કરાવ્યો હતો. પછી આ જ જમીન જુદી જુદી ૬  સહકારી મંડળીઓમાં ટ્રાન્સફ્ર કરી દીધી હતી. જો કે તે તમામ સહકારી મંડળીઓ રદ થતા આ જમીન રમણભાઈના પરિવારના સભ્યોના  જ નામની સારંગા કો.ઓ.હા.સોસાયટીના નામે દસ્તાવેજ કરાવી  લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ,  તેના ભાઇ છગન, કોકીલા છગન પટેલ, દશરથ ભોળીદાસ પટેલ,  મયુરીકાબેન રમણ પટેલ, લત્તાબેન દશરથ પટેલ, સરિતાબેન  નટવર પટેલ, ક્રીનેશ નટવર પટેલ અને પ્રથમેશ સી પટેલ સામે  ગુનો નોધાયો હતો.

ઇન્કમટેક્ષની રેડના પગલે ખેડૂતની  જમીનો પડાવી લીધાના અનેક કૌભાંડો બહાર આવે તેવી શક્યતા  રહેલી છે. વસ્ત્રાપુર પોલીસે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ,  ઘાટલોડિયા મામલતદાર, સબ રજીસ્ટ્રાર કચેરી, કલેકટર કચેરી  સહિતની સરકારી કચેરીઓ પાસેથી વિગતો મંગાવી છે અમુક  દસ્તાવેજો કબ્જે કર્યા છે. પોલીસ દસ્તાવેજો કબ્જે કરી સેન્ટ્રલ  જેમાંથી રમણ, દશરથની પુછપરછ માટે ટુંક સમયમાં ટ્રાન્સફર  વોરન્ટ આધારે ધરપકડ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here