। નવી દિલ્હી ।

હવાનાં પ્રદૂષણ સાથે કોરોના વાઇરસનો પ્રસાર વધે છે કે કેમ તેવી અનિશ્ચિતતા ભારત પર તોળાઇ રહી છે ત્યારે એક ચિંતાજનક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ ભારતમાં નોંધાયું હતું. હેલ્થ ઇફેક્ટ ઇન્સ્ટિટયૂટ, ઇન્સ્ટિટયૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂશન, વોશિંગ્ટન યુનિવર્સિટી અને બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૦માં જણાવવામાં આવ્યું છે કે હવાનું પ્રદૂષણ ભારતમાં હવે સૌથી મોટું જોખમ બની ચૂક્યું છે. ભારતીયો પર હવાનાં પ્રદૂષણના કારણે તમામ પ્રકારના આરોગ્ય જોખમોથી થતાં મોત વધી રહ્યાં છે. સ્ટેટ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર ઘરની બહાર રહેવા અને ઘરમાં પ્રવર્તતા હવાનાં પ્રદૂષણના કારણે સર્જાતા રોગો સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ફેફસાંનાં કેન્સર, ફેફસાંના અન્ય ગંભીર રોગ અને બાળરોગોના કારણે દેશમાં વર્ષ ૨૦૧૯માં ૧૬,૬૭,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં.

હવાનાં પ્રદૂષણ માટે મુખ્યત્વે જવાબદાર PM૨.૫માં વૈશ્વિક સ્તરે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ વચ્ચે ઘટાડો નોંધાયો છે પરંતુ ભારતમાં PM૨.૫ એક્સપોઝરમાં ૬.૫ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટરનો વધારો નોંધાયો છે. જે વિશ્વમાં ત્રીજો સૌથી મોટો વધારો દર્શાવે છે. સમગ્ર વિશ્વમાં હવામાં PM૨.૫ પ્રદૂષણ અને ઓઝોન પોલ્યૂશનના કારણે સૌથી વધુ મોત થતાં હોય છે. ભારતમાં છેલ્લા એક દાયકામાં PM૨.૫ના સ્તરમાં વધારો થવાના કારણે ૩.૭૩ લાખ અને ઓઝોન એક્સપોઝરના કારણે ૭૬,૫૦૦ મોત નોંધાયાં છે. હવાનાં પ્રદૂષણની સૌથી ગંભીર અસર નવજાત શિશુઓ પર થઇ રહી છે. વર્ષ ૨૦૧૯માં હવાનાં ગંભીર પ્રદૂષણના કારણે ભારતમાં ૧,૧૬,૦૦૦ કરતાં નવજાત શિશુ જન્મના પહેલા મહિનામાં જ મૃત્યુ પામ્યાં હતાં. રિપોર્ટ અનુસાર વિશ્વમાં હવાનાં પ્રદૂષણના કારણે નવજાત શિશુનાં સૌથી વધુ મોત ભારતમાં નોંધાયાં છે.

એક દાયકામાં ભારતમાં ઓઝોન કેન્સન્ટ્રેશનમાં સૌથી વધુ ૧૭ ટકાનો વધારો

વર્ષ ૨૦૧૯માં ઓઝોન એક્સપોઝરમાં ભારતનો સમાવેશ વિશ્વના ટોપ ટેન દેશોમાં થયો છે. કતારમાં સૌથી વધુ ઓઝોન એક્સપોઝર નોંધાયું હતું. બીજા સ્થાને નેપાળ અને ત્રીજા સ્થાને ભારત રહ્યો હતો. વિશ્વના ૨૦ સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં છેલ્લા એક દાયકામાં ભારતમાં ઓઝોન કેન્સન્ટ્રેશનમાં સૌથી વધુ ૧૭ ટકાનો વધારો થયો છે.

ભારતમાં ૨૦૧૭માં હવાનાં પ્રદૂષણના કારણે ૬.૨ લાખ લોકોનાં મોત થયાં હતાં

ભારત સરકારનો પોતાનો અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં થતા દર આઠમાંથી એક મોત હવાનાં પ્રદૂષણના કારણે થતા રોગોના કારણે થાય છે. ૨૦૧૭માં હવાનાં પ્રદૂષણના કારણે ૬.૨૦ લાખ લોકોનાં મોત થયાં હતાં. જેમાં મૃતકોની ઉંમર ૭૦ વર્ષ કરતાં ઓછી હતી.

હવાનાં પ્રદૂષણના કારણે નવજાતનાં મોત

૧,૧૬,૦૦૦     ભારત

૬૭,૯૦૦       નાઇજિરિયા

૫૬,૫૦૦       પાકિસ્તાન

૨૨,૯૦૦       ઇથિયોપિયા

૧,૨૦૦                 કોંગો

હવાનાં પ્રદૂષણના કારણે થતાં રોગ અને મોત

 • ૬૦ ટકા ક્રોનિક બ્રોન્કાઇટિસ (સીઓપીડી)ના કારણે
 • ૨૩ ટકા લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કારણે
 • ૩૫ ટકા ઇસ્કેમિક સ્ટ્રોકના કારણે
 • ૩૨ ટકા ફેફસાંનાં કેન્સરના કારણે
 • કયા દેશોમાં હવાનાં પ્રદૂષણ (PM૨.૫)માં તોતિંગ વધારો
 • ૭.૫ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નાઇજિરિયા
 • ૭.૦ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર બાંગ્લાદેશ
 • ૬.૫ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર ભારત
 • ૩.૦ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર પાકિસ્તાન
 • ૧.૯ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જાપાન

કયા દેશોમાં હવાનાં પ્રદૂષણ (PM૨.૫)માં તોતિંગ ઘટાડો

 • ૧૧ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર ઇજિપ્ત
 • ૮.૦ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર થાઇલેન્ડ
 • ૬.૭ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર વિયેતનામ
 • ૫.૬ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર ચીન
 • ૫.૩ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર ફિલિપાઇન્સ

હવાનું પ્રદૂષણ હવે માનવજાત પર તોળાતું સૌથી મોટું જોખમ

 • વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં ૬૬.૭૦ લાખ લોકોનાં મોત
 • વર્ષ ૨૦૧૯માં વિશ્વમાં ૪,૭૬,૦૦૦ નવજાતનાં મોત
 • છેલ્લા એક દાયકામાં ભારતમાં આઇટડોર પોલ્યૂશનમાં તોતિંગ વધારો
 • ભારતમાં ૧૦૦ ટકા વસતી હવાનાં પ્રદૂષણનો સામનો કરી રહી છે
 • હવાનાં પ્રદૂષણના કારણે થયેલાં કુલ મોતના ૫૮ ટકા ભારત અને ચીનમાં
 • ઓઝોનના કારણે ભારતમાં પ્રતિ એક લાખ વ્યક્તિએ ૧૮નાં મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here