મોદી સરકાર ખેડૂતોને વધુ એક ખુશખબર આપવા જઇ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ અંતર્ગત મળી રહેલા 6000 રૂપિયાની મદદ ઉપરાંત પણ 5000 રૂપિયા આપવાની તૈયારી છે. આ પૈસા ખાતર માટે મળશે કારણ કે સરકાર મોટી મોટી ખાતર કંપનીઓને સબસિડી આપવાના બદલે સીધા ખેડૂતોને ફાયદો પહોંચાડવા માગે છે. કૃષિ ખર્ચ તથા મૂલ્ય આયોગે કેન્દ્ર સરકારને ખેડૂતોને સીધા 5000 રૂપિયા વાર્ષિક ખાતર સબસિડી તરીકે રોકડ આપવાની ભલામણ કરી હતી.

5000 રૂપિયાને બે હપ્તામાં ચુકવવામાં આવશે. પહેલો હપ્તો ખરીફનો પાક શરૂ થતા પહેલા અને બીજો રવીની શરૂઆતમાં આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ભલામણનો સ્વીકાર કર્યો તો ખેડૂતો પાસે વધુ રોકડ હશે કારણ કે સબસિડીના પૈસા સીધા તેમના ખાતામાં આવશે. વર્તમાનમાં કંપનીઓને આપવામાં આવતી ખાતર સબસિડીની વ્યવસ્થા ભ્રષ્ટાચારનો શિકાર છે. દર વર્ષે સહકારી સમિતિઓ અને ભ્રષ્ટ કૃષિ અધિકારીઓના કારણે ખાતરની અછત ઉભી થાય છે અને અંતે ખેડૂત વેપારીઓ અને ખાતર બ્લેક કરનારાઓ પાસેથી મોંઘા ભાવે ખરીદવા મજબૂર બને છે.

શિવરાજ સિંહ ચૌહાણે કરી વકાલત

બીજેપી શાસિત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં જ ખેડૂતોના એક કાર્યક્રમમાં કહ્યું કે ખાતર સબસિડીમાં ભ્રષ્ટાચારનો ખેલ થાય છે. તેથી આ પૈસા ખાતર કંપનીઓની જગ્યાએ સીધા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં નાંખવા જોઇએ. હું પ્રધાનમંત્રીજીને આગ્રહ કરીશ કે સબસિડી કંપનીઓના બદલે ખેડૂતોના ખઆતામાં રોકડ નાંખી દેવામાં આવે. તે બાદ ખેડૂતો માર્કેટમાં જઇને ખાતર ખરીદે. કોઇપણ સ્થિતિમાં આ સબસિડી ખાવાનો ખેલ પૂરો કરવાનો છે.

હકીકતમાં શિવરાજ સિંહે આ વાત એમ જ નથી કરી. કેન્દ્ર સરકાર ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોને ખાતરની સબસિડી સીધા તેમના બેન્ક એકાઉન્ટમાં આપવા પર વિચાર કરી રહી છે. ખેડૂતોના ખાતામાં રોકડ સબસિડી જમા કરાવા માટે 2017માં જ નીતિ આયોગની એક વિશેષજ્ઞ સમિતિની રચના કરવામાં આવી. પરંતુ અત્યાર સુધી તેના પર કંઇ ખાસ કામ નથી થઇ શક્યું. પરંતુ હવે સીએસીપીની ભલામણ બાદ નવી વ્યવસ્થા લાગુ થવાની આશા છે.

ખેડૂતો

મંત્રીઓનું શું કહેવુ છે?

આ વર્ષે 20 સપ્ટેમ્બરે રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડાએ એક સવાલના જવાબમાં લોકસભામાં જણાવ્યું કે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ડીબીટીનો કોઇ ચોક્કસ નિર્ણય હાલ લેવામાં નથી આવ્યો. ખેડૂતોને ખાતર રાજ સહાયતાના ડીબીટીની શરૂઆત કરવાના વિભિન્ન પાસાઓની તપાસ કરવા માટે ખાતર અને કૃષિ સચિવની સહ અધ્યક્ષતામાં એક નોડલ સમિતિની રચના કરવામાં આવી છે. તે અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે ખાતર સબસિડી આગળનો વિષય છે. જ્યારે થશે ત્યારે જણાવી દેવામાં આવશે.

ખાતર સબસિડી પર ખેડૂતોની સલાહ

રાષ્ટ્રીય ખેડૂત મહાસંઘના સંસ્થાપક સભ્ય વિનોદ આનંદનું કહેવુ છે કે સરકાર ખાતર સબસિડી ખતમ કરીને વાવેતર અનુસાર તેના પૂરા પૈસા ખેડૂતોના એકાઉન્ટમાં આપી દે તો તે યોગ્ય રહેશે. પરંતુ જો સબસિડી ખતમ કરીને તે પૈસાનો ક્યાંક બીજે ઉપયોહ કરશે તો ખેડૂતો તેના વિરોધમાં ઉતરશે. જેટલા પૈસા ખાતર સબસિડી રૂપે કંપનીઓને જાય છે તેટલામાં દર વર્ષે તમામ 14.5 કરોડ ખેડૂતોને 6-6 હજાર રૂપિયા આપી શકાય.

પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર પાસે દેશના આશરે 11 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટ અને તેમની ખેતીનો રેકોર્ડ છે. જો તમામ ખેડૂતોની યુનિક આઇડી બનાવી દેવામાં આવે તો વાવેતર અનુસાર સબસિડીનું વિતરણ સરળ રહેશે.

ખાતર સબસિડી પર કેટલા રૂપિયા થાય છે ખર્ચ

ખાતર સબસિડી માટે સરકાર વાર્ષિક આશરે 80 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે છે. 2019-20માં 69418.85 રૂપિયાની ખાતર સબસિડી આપવામાં આવી. જેમાં સ્વદેશી યુરિયાનો હિસ્સો 43050 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત આયાત કરવામાં આવેલા યુરિયા પર 14049 કરોડ રૂપિયાની સરકારી મદદ અલગથી આપવામાં આવી છે. છ  જાહેર ક્ષેત્રની કંપનીઓ, 2 સહકારી અને 37 ખાનગી કંપનીઓને આ મદદ મળશે.

શું આ પણ છે કારણ?

ભારતમાં યુરિયાનો સૌથી વધુ વપરાશ છે. મોટાભાગના ખેડૂતો તેનો જરૂર કરતા વધુ ઉપયોગ કરે છે. ઇન્ડિયન નાઇટ્રોજન ગ્રુપના રિપોર્ટ અનુસાર ભારતમાં નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત કૃષિ છે. ગત પાંચ દશકોમાં દરેક ભારતીય ખેડૂતે સરેરાશ 6000 કિલોથી વધુ યુરિયાનો ઉપયોગ કર્યો છે. યુરિયાનો 33 ટકા ઉપયોગ ચોખા અને ઘઉંના પાકમાં થાય છે. બાકી 67 ટકા માટી, પાણી અને પર્યાવરણમાં પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે.

માટીમાં નાઇટ્રોજન યુક્ત યુરિયાના મોટી માત્રામાં ઓગળી જવાથી તેના કાર્બનની માત્રા ઓછી થઇ જાય છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટની માત્રા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના માપદંડોથી ઘણી વધુ મળી છે. હરિયાણામાં તે સૌથી વધુ 99.5 માઇક્રોગ્રામ પ્રતિ લીટર છે. જ્યારે ઇડબલ્યૂએચઓના નિર્ધારિત માપદંડ 50 માઇક્રોગ્રામ પ્રતિ લીટર છે. તેવામાં સરકાર યુરિયાના સંતુલિત ઉપયોગ પર ભાર આપી રહી છે. સમજી શકાય કે સીધી ખાતર સબસિડી આપવાથી નાઇટ્રોજનના બિન કૃષિ સ્ત્રોતો પર લગામ લાગી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here