બોલિવૂડના દિગ્ગજ અભિનેતા કાદર ખાન ભલે આજે આ દુનિયામાં ન હોય પરંતુ આજે પણ તે પોતાના ઉત્તમ ડાયલોગ્સ અને અભિનયને કારણે કરોડો ફેન્સના દિલ પર રાજ કરે છે. કાદર ખાન એક મહાન અભિનેતા જ નહીં પરંતુ એક મહાન હાસ્ય કલાકાર અને ડાયલોગ લેખક પણ હતા. દિવંગત અભિનેતા કાદર ખાનનો આજે જન્મદિવસ છે. ફિલ્મોમાં પોતાની કોમેડીથી પ્રેક્ષકોને હસાવનારા અભિનેતાએ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવતા પહેલા તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો.
માતા મસ્જિદમાં અભ્યાસ માટે મોકલતી હતી
કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937માં કાબુલ, અફઘાનિસ્તાનમાં થયો હતો. પરંતુ પાછળથી તેનો પરિવાર મુંબઇ નજીક કમાઠીપુરામાં સ્થાયી થયો. તેના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. તેથી તેની માતા તેને શાળામાં ન મોકલીને નજીકની મસ્જિદમાં અભ્યાસ માટે મોકલતી હતી, જ્યાંથી તે ભાગીને નજીકના કબ્રસ્તાનમાં જતો રહેતો હતો. તે હંમેશાં આવું જ કરતો હતો. તે સમયે કાદર ખાન માત્ર 8 થી 9 વર્ષના જ હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે જ્યારે તે કબ્રસ્તાનમાં જતા ત્યારે તે ત્યાં બેસીને જોરજોરથી અવાજ કરતો. તેનો અવાજ નાનપણથી જ ભારે હતો. તે ઘણીવાર કબ્રસ્તાનમાં પોતાની સાથે જ વાત કરતા. એક દિવસ જ્યારે તે હંમેશાની જેમ કબ્રસ્તાનમાં ચીસો પડતા હતા ત્યારે ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ તેને જોયો.
અશરફે નાટકમાં કામ કરવાની આપી ઓફર
તે માણસથી રહેવાયું નહીં અને તેણે કાદરને પૂછ્યું કે તું અહીં શું કરે છે. ત્યારે તેમણે કહ્યું કે, હું દિવસભર જે પણ સારી વાતો શીખું છું તેને અહીં આવીને વાંચું છું. તે વ્યક્તિ બીજો કોઈ નહીં પણ અશરફ ખાન હતા, જેમણે પોતે ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અશરફ સાથે કાદરની વાત એટલી બધી સારી લાગી કે તેણે તરત જ તેને તેના નાટકમાં કામ કરવાની ઓફર કરી. કાદરના પ્રથમ નાટકમાં તેનો શ્રેષ્ઠ અભિનય જોઈને બધાએ તેને ઓફર કરવાનું શરૂ કર્યું. ત્યારે જ એક નાટક દરમિયાન અભિનેતા દિલીપ કુમારની નજર કાદરના અભિનય પર પડી અને તેમણે કાદરને તેની ફિલ્મ ‘સગીના’ માટે કાસ્ટ કરી લીધા. આ ફિલ્મ વર્ષ 1974માં રિલીઝ થઈ હતી.