સામાન્ય રીતે કોઇ પણ ગુનામાં પકડાયેલા મુદ્દામાલને પોલીસ સ્ટેશનમાં કબાડીની જેમ મૂકી દેવામાં આવતો હોય છે. જ્યાં લોકો પાનની પિચકારી મારતા હોય છે અને કચરો પણ નાખતાં અચકાતા નથી . અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ ઉપર પાનની પિચકારી કે પછી કચરાનો ઢગલો નહીં પરંતુ ફૂલોના હાર ચડાવી અને સિંદૂર લગાવીને તેની પૂજા કરવામાં આવે છે.
વહેલી સવારે કે બપોરે જ્યારે પોલીસ સ્ટેશનનો કોઇ પણ પોલીસ કર્મચારી ફરજ ઉપર આવે છે ત્યારે સૌ પ્રથમ તે પોલીસ સ્ટેશનમાં પડેલા મુદ્દામાલની પૂજા કરે છે અને ત્યાર બાદ પોતાની ફરજ ઉપર જાય છે. પોલીસ કર્મચારીઓની આવી અનોખી શ્રદ્ધાને કારણે પોલીસ સ્ટેશનમાં શાંતિ જણાતી હોવાનું પોલીસ કર્મચારીઓ અનુમાન કરી રહ્યા છે.
કહેવાય છે કે પહેલાના સમયમાં ડાકુ કે ધાડપાડુ લૂંટ કરવા માટે આવતા ત્યારે તેમનો સામનો કરી રહેલ ગામની વ્યકિત મૃત્યુ પામે તો તેના માનમાં પથ્થર કોતરીને પાળિયા મૂકવામાં આવતા હતા. વર્ષ ૧૯૮૮માં સાણંદ તાલુકાના આસપાસમાં આવેલાં ગામોમાં પાળિયાની ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હતી. જેમાં પોલીસે આ ગેંગની ધરપકડ કરી હતી. આ ગેંગ પાસેથી પોલીસને ૧૬ પાળિયા મળ્યા હતા.
આ કેસ હજુ ગ્રામ્ય કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે મુદ્દામાલ હજુય પોલીસ સ્ટેશનમાં પડ્યો છે. પોલીસનું માનવું છે કે સાણંદ પોલીસ સ્ટેશનમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધતો રહ્યો હતો, એક પોલીસકર્મીએ તેની જ પિસ્તોલથી આત્મહત્યા કરી હતી.
તે સમયે એક ઉચ્ચ અધિકારીએ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે પડેલા આ પાળિયાની સાફ સફાઇ કરીને તેની પૂજા શરૂ કરી હતી. ઉચ્ચ અધિકારીની આ શ્રદ્ધા બાદ આજે પણ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ પોલીસ કર્મચારીઓ પાળિયાની પૂજા કરીને નોકરી ઉપર જાય છે.
નવું પોલીસ સ્ટેશન બન્યું છે ત્યારે પાળિયાને પણ એવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે કે જ્યાં કોઇ ગંદકી ફેલાય નહીં. હજુ સુધી ચોરીના કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો નહીં હોવાથી પાળિયા હજુ પણ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે છે.