amc purchase new death body van ambulance

કોરોના મહામારીના સમયે અમદાવાદીઓને અંગત સગા-સંબંધીનાં અકાળે મૃત્યુના આઘાત વચ્ચે તેમના મૃતદેહને અંતિમ સફરે મોકલવા માટે જરૂરી મ્યુનિ. શબવાહિની પણ સમયસર મળતી નથી. શહેરમાં દરરોજના ૧૦૦થી ૧પ૦ મૃત્યુુ કોરોના તેમજ અન્ય કારણસર થતાં હોઇ સ્વર્ગસ્થની અંતિમવિધિ માટે મ્યુનિ. શબવાહિની માટે ડાઘુઓને રીતસરનું ટળવળવું પડે છે. જોકે આ બાબત તંત્ર મેળવવા શરમજનક હોઇ હવે રહી રહીને શબવાહિનીના કાફલામાં પાંચ નાની-મોટી શબવાહિની દિવાળી સુધીમાં ઉમેરાશે. જેના કારણે તેની લાંબી પ્રતીક્ષાનો સમય પ્રમાણમાં ઘટશે.

આમ તો મ્યુનિ. કોર્પોરેશનનું ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧નું બજેટ રૂ.૯૬૮પ કરોડ જેટલું જમ્બો છે. જેમાં સપ્તરંગી પ્રોજેકટોની માયાજાળ બિછાવીને લોકોને મોહિત કરાયા છે. જોકે કડવી વાસ્તવિકતા એ છે કે ‘નામ બડે ઔર દર્શન ખોટે’ની જેમ તંત્ર પાસે પોતાના સ્વર્ગસ્થ કે જન્નતનશીન થયેલા નાગરિકોને અંતિમ સફરે મોકલવા માટે પર્યાપ્ત સંખ્યામાં શબવાહિની જ નથી.

AMC પાસે કુલ 16 શબવાહિની

સત્તાવાળાઓ પાસે આંગળીના વેઢે ગણાય તેટલી કુલ ૧૬ શબવાહિની છે. જેમાં ૧૪ નાની અને બે મોટી છે અને બ્રેકડાઉનની સમસ્યાથી એક મોટી શબવાહિની સહિત પાંચ જેટલી તો બંધ હાલતમાં છે. મોટી શબવાહિની જનાજા અને કોફિન લઇ જવા માટે ઉપયોગમાં લેવાય છે. અન્ય ત્રણ-ચારને સરકારી હોસ્પિટલના એમઆરઓની સૂચનાથી કોરોનાના મૃતક માટે મોકલવી પડતી હોઇ અન્ય લોકો માટે માંડ પાંચ શબવાહિની ઉપલબ્ધ રહે છે.

લોકોને કરવી પડે છે લાંબી પ્રતીક્ષા

આની સામે તંત્રના ટોલ ફ્રી નંબર ૧૦ર પર રોજના ૯૦થી ૧૦૦ કોલ આવતા હોઇ લોકોને લાંબી પ્રતીક્ષા કરવી પડે છે. ખાનગી શબવાહિનીનો ચાર્જ રૂ.૬૦૦થી ૧પ૦૦નો હોઇ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો પ્રતિ કલાકના રૂ.પ૦નો ચાર્જ ધરાવતી મ્યુનિ.ની નાની શબવાહિનીનો આગ્રહ રાખે છે. મોટી શબવાહિનીનો ભાવ પ્રતિ કલાક રૂ.૧ર૦ હોઇ આ ચાર્જ પણ એકંદરે સાવ નહિવત્ છે. ખૂબ ઓછા ચાર્જના કારણે શહેર બહારના ગ્રામ્ય વિસ્તારમાં પણ મ્યુનિ. શબવાહિનીની માગણી છે.

નાછૂટકે મંગાવવી પડે છે ખાનગી શબવાહિની

જો કે મ્યુનિ. શબવાહિની કલાકોની રાહ જોવડાવ્યા બાદ પણ ડાઘુઓને મળતી ન હોઇ નાછૂટકે ખાનગી શબવાહિની મંગાવવી પડે છે. બીજી તરફ છ ‌મહિનાથી ત્રણ મોટી અને સાત નાની મળી કુલ ૧૦ શબવાહિની માટે બે વખત નીકળેલાં ટેન્ડરમાં સિંગલ ટેન્ડર આવતાં તંત્રે આખી ફાઇલ અભરાઇએ ચઢાવી દેતાં કોરોનાના કાળમાં લોકો તોબા પોકારી ઉઠયા છે.

મેયરના બજેટમાંથી કુલ 3 શબવાહિની ખરીદાશે

તાજેતરમાં મેયર અને શાસક પક્ષના નેતાના બજેટમાંથી નવી પાંચ શબવાહિની મંજૂર કરાઇ છે. જેમાં મેયરના બજેટમાંથી પહેલાં એક મોટી અને બે નાની મળીને ત્રણ શબવાહિની ખરીદાશે. જ્યારે મેયર બજેટ અને શાસક પક્ષના નેતાના બજેટમાંથી એક એક મળીને વધુ બે નાની શબવાહિની પણ મેળવાશે. એટલે દિવાળી સુધીમાં નવી પાંચ શબવાહિની શહેરમાં દોડતી થઇ જશે.

કુલ 21 શબવાહિની થશે

મ્યુનિ. ફાયર બ્રિગેડ પાસે ત્રણ મોટી અને ૧૮ નાની મળી કુલ ર૧ શબવાહિની થશે. કોરોનાનો પ્રકોપ તેની ટોચ પર હતો ત્યારે શહેરમાં રોજનાં ર૦થી રપ મૃત્યુ થતાં હતાં. તે વખતે મૃતકના અંતિમ સંસ્કાર માટે શબવાહિની મેળવવા ત્રણ-ત્રણ કલાક રાહ જોવી પડતી હતી. અલબત્ત દિવાળી સુધીમાં પ્રતીક્ષાના સમયમાં ખાસો ઘટાડો થશે.જોકે તંત્ર પાસે કુલ ૧૮ સ્ટ્રેચર બેરરની જગ્યા સામેે માત્ર સાત સ્ટ્રેચર બેરર છે. એટલે કે મૃતદેહ ઉપાડવા માટે પણ પૂરતી સંખ્યામાં કર્મચારીઓ નથી.

ઓછામાં ઓછી 40 શબવાહિની હોવી જોઇએ

આ ઉપરાંત શબવાહિની ચલાવનાર ડ્રાઇવર ન હોઇ એએમટીએસના ડ્રાઇવર તેને ચલાવે છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ જેવાં મોટાં શહેર માટે હાલની સ્થિતિ મુજબ ર૧ શબવાહિનીને બદલે ઓછામાં ઓછી ૪૦ શબવાહિની હોવી જોઇએ. એટલે મ્યુનિ. તંત્ર માટે કમ સે કમ શબવાહિની માટે તો હજુ દિલ્હી ઘણું દૂર છે. એટલે વધુને વધુ શબવાહિનીને ફાયર બ્રિગેડના કાફલામાં ઉમેરવાના સતત પ્રયાસ તંત્રે કરવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here