દર્દીના બ્લેડરમાંથી પથરી દૂર કરવામાં બેદરકારી શહેરના ડો. ઘનશ્યામ પરમાર અને નરોડા સ્થિત પાર્વતી જાદવ હોસ્પિટલને સવા સાત લાખ રૂપિયામાં પડી છે. ઓગસ્ટ ૨૦૧૯ના આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને વર્ચ્યુઅલ સુનાવણી યોજીને ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં આ હુકમ કર્યો છે.

ગ્રાહક કમિશને દવાઓના ખર્ચ અને વળતર પેટે ૫ લાખ, માનસિક યાતના વેઠવી પડી તે પેટે બે લાખ અને અરજી સહિતના ખર્ચ પેટે ૨૫ હજાર અરજદાર દર્દીને ચૂકવી આપવા તે મતલબનો હુકમ કર્યો છે. સાથે જ ૮ ટકા વ્યાજ ચુકવવા પણ હુકમ કર્યો છે. સારવાર ખર્ચ અને યાતના ભોગવી તે રકમ ઉપરાંત આઠ ટકા વ્યાજ પણ હોસ્પિટલ-તબીબને ચુકવવા પડશે.

શહેરના સંતોષનગર વિસ્તારમાં રહેતાં અરજદાર રાજેશ ડી. સોલંકીએ ગત નવેમ્બર ૨૦૧૯માં ગ્રાહક કોર્ટમાં કેસ માંડયો હતો, જેમાં તેમના વકીલે એવો મુદ્દો રજૂ કર્યો હતો કે, પેટના ભાગે દુઃખાવો થતો હોવાથી નરોડા સ્થિત પાર્વતી જાદવ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો, હોસ્પિટલમાં ૮મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સ્ટોન કાઢવાની પ્રક્રિયા કરાઈ હતી, ૯મીએ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી, જ્યાં ડો. ઘનશ્યામ પરમારે કહ્યું હતું કે, બ્લેડરમાંથી સ્ટોન સફળતાપૂર્વક દૂર કરાયું છે.

હોસ્પિટલમાં ૩૪ હજારથી વધુનું બિલ ચુકવ્યું હતું. જોકે એ પછીયે દુઃખાવો સતત ચાલુ રહેતાં પાંચ દિવસ પછી ફરી ડોક્ટરનો સંપર્ક કર્યો હતો, એ પછી રિપોર્ટ કઢાવતાં કિડનીના ભાગે સ્ટોન હોવાનું જણાઈ આવ્યું હતું. આમ તબીબી સેવામાં ખામી ઉપરાંત દર્દીને અંધારામાં રાખ્યાનો આક્ષેપ કરાયો હતો, ત્યાર બાદ અન્ય હોસ્પિટલમાં સપ્ટેમ્બર-૨૦૧૯ના પહેલાં સપ્તાહમાં સર્જરી કરાવવી પડી હતી.

આ કેસમાં હોસ્પિટલ તરફથી પોતાના બચાવમાં જવાબ રજૂ કરાયો ન હતો, સમગ્ર કેસ એક તરફી ચાલ્યો હતો, સુનાવણીને અંતે ગ્રાહક કમિશને ઉપરોક્ત હુકમ કર્યો હતો. ફરિયાદી તરફથી દલીલ હતી કે, હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીને વધુ યાતના ભોગવવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here