લુસી જોન્સ નામની યુવતી લેક ડિસ્ટ્રિક્ટ ખાતે ૩,૪૦,૦૦૦ ડોલર્સની કિંમતના અને કલાકના ૨૦૦ માઇલની ઝડપે હવામાં ઊડી શકે તેવા જેટ સૂટને પહેરીને હવામાં ઊડી ત્યારે આકાશમાં ઊડવાનું માણસનું સપનું સાકાર થતું જોવાયું. ઇન્વેસ્ટર રિચાર્ડ બ્રાઉનિંગે પ્રવાસ માટેના આગવા સાધનની રચના કરી છે. રોમાંચિત લુસીએ જણાવ્યું હતું કે, મને આ અગાઉ ક્યારેય પણ પેરામેડિકલ સર્વિસિસની જરૂર પડી નથી પરંતુ હાલમાં મને ભય છે કે મને તેની જરૂર પડશે. આ સાધનનો મૂળ ઉદ્દેશ તબીબ વ્યવસાયિકો મિનિટ્સમાં જરૂરિયાતના સ્થળે પહોંચી શકે તે છે તેથી જ ગ્રેટ નોર્થ એર એમ્બ્યુલન્સ સર્વિસ સાથે આ ટેસ્ટ ફ્લાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.
બે સૂટકેસીસમાં ફિટ થઈ શકે તેવું આ કાર્બન ફાઇબર ડિવાઇસ
લુસી જોન્સ કહે છે કે સામાન્ય રીતે હોલિવૂડના સાઇન્ટિફિક ફિલ્મોમાં જોવા મળે તેવું દૃશ્ય વાસ્તવમાં સર્જાયું હતું. તેણી કહે છે કે આ કાર્બન ફાઇબર ડિવાઇસ ફક્ત બે સૂટકેસમાં ફિટ થઈ શકે છે અને તે રિસ્ક્યૂ ટાઇમને ૨૫ મિનિટ્સથી ઘટાડીને ૯૦ સેકંડ કરી શકે છે. આ જેટ સૂટ થોડો રેકસેક જેવો લાગે છે અને તેની બન્ને બાજુએ ગેસ કેનિસ્ટર્સ લગાવેલા છે. ઇંધણ સહિત તેનું વજન ૩૫ કિલો થાય છે. લુસી કહે છે કે આ સૂટ આમ તો ૨૦૦ માઇલની ઝડપ પકડી શકે છે પરંતુ મેં કલાકે ૮૫ માઇલની ઝડપનો રેકર્ડ નોંધાવ્યો છે. જો કે સુરક્ષાના કારણોસર જમીનથી ચારથી પાંચ ફૂટ ઉપર ૪૦ માઇલ કરતાં વધારે ઝડપ કરી નથી. લુસીના બન્ને હાથ પર બે માઇક્રો જેટ એન્જિન અને એક પીઠ પર બાંધી દેવામાં આવ્યા હતા જે જેટ-એ૧ અથવા ડીઝલના પાવર સાથે મૂવમેન્ટને કંટ્રોલ કરવા સક્ષમ બનાવે છે. બ્રાઉનિંગે જણાવ્યું હતું કે માઇક્રો ટર્બાઇન જે રીતે હવાને બહાર ફેંકે છે તે વ્યક્તિને હવામાં ઊંચકવામાં મદદ કરે છે.