હું ૨૦ વરસની છું. અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા  મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે.- એક યુવતી (મુંબઇ)

જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે.  આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

મારો છ મહિનાનો પુત્ર અંધારાથી ઘણો ગભરાય છે. લાઇટ બંધ કરતા જ તે રડવા માંડે છે. અને લાઇટ ખોલીએ નહીં ત્યાં સુધી શાંત થતો જ નથી. તેનો આ ડર દૂર કરવા અમારે શું કરવું? – એક બહેન (વલસાડ)

દિવસ-રાતનું ચક્ર અથવા તો પ્રકાશ અને અંધારાનું  ભાન થતા શિશુને વાર લાગે છે. આથી તમારા પુત્રનું આ વર્તન અસ્વાભાવિક છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. લાઇટ બંધ કરતા પૂર્વે તેને બાથમાં લઇ વહાલ કરો. અને તેની સાથે વાત કરો. તમારા શિશુને બીજી કોઇ સમસ્યા નથી તેની તપાસ કરો. શક્ય હોય તો કોઇ સારા બાળરોગ નિષ્ણાતની સલાહ લો. ડૉક્ટરોએ જણાવ્યા પ્રમાણે ડર જેવી લાગણીઓ શિશુઓમાં નવ કે દસ મહિના પછી જન્મે છે. આ પૂર્વે શિશુના રડવા પાછળ કોઇ દુ:ખાવો હોવાની શક્યતા છે.

હું ૨૧ વરસનો છું. મને ૧૯ વરસની એક યુવતી સાથે પ્રેમ છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી  એ હું જાણું છું. અને મને  એનો વાંધો પણ નહોતો. પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે સંબંધ બાંધ્યો હતો આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો નથી.  મારે તેને પાછી મેળવવી છે. તો મારે શું કરવું?- એક યુવક (રાજપીપળા)

તેને પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એમ લાગે છે. ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરે એવી શક્યતા છે.  આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે. પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું આસાન થઇ જશે.

હું ૨૫ વરસની શિક્ષિક અને નોકરિયાત મહિલા છું. હજુ સુધી મારા લગ્ન થયા નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારીરિક સંબંધ છે. આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારીરિક સંબંધો છે. હવે મને આની નફરત થઇ ગઇ છે. લગ્ન પછી શું થશે  એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં  આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. યોગ્ય માર્ગદર્શન  આપવા વિનંતી.- એક યુવતી (મુંબઇ)

તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં નારીત્વની ગરિમા સમજી શક્યા નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી રહ્યા છો. તમે સેક્સ મેનિયાક હો એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત છોડી દો. મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી ગૃહસ્થી જીવન જીવો. લગ્ન જ તમારી સમસ્યાઓનો અંત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here