શહેરના મધ્યઝોનના દરિયાપુર વોર્ડમાં અમારા પક્ષ ભાજપને પાંચ-પચીસ વોટ પણ મળતા ન હોવા છતાં અમે પાણી, ગટર, લાઇટ, રસ્તાના તમામ કામો કરીએ છીએ તેવો એક સનસનાટીભર્યા વિધાનો આજે મ્યુનિ. બોર્ડની બેઠકમાં ખુદ મેયર અને ભાજપના નેતાએ કરતા કોંગ્રેસ પક્ષના સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ કરીને વળતો એવો પ્રહાર કર્યો હતો કે, આ કામો કરીને તમે દરિયાપુરની જનતા પર કંઈ અહેસાન કરતા નથી. કોંગ્રેસના આ ઉત્તર બાદ ભાજપ-કોંગ્રેસના સભ્યોએ સામસામે હોબાળો મચાવતા અને કોંગ્રેસે આક્રમક રૂપ અપનાવતા મેયરે બોર્ડની બેઠક સમેટી લીધી હતી. જેનો કોંગ્રેસ પક્ષના સભ્યોએ વિરોધ કરીને હંગામો મચાવી દીધો હતો,

દેખીતી રીતે જ મ્યુનિ. બોર્ડની આજે મળેલી બેઠકમાં કોંગ્રેસના દરિયાપુર વોર્ડના કોર્પોરેટર હસનલાલાએ દરિયાપુર વોર્ડમાં પ્રદૂષિત પાણી આવતું હોવાની સાથે મ્યુનિ. પ્રાથમિક સેવાના એટલે કે, પાણી, રસ્તા, ગટર અને લાઇટ જેવા કામો થતા ન હોવાના પ્રશ્ને પસ્તાળ પાડી હતી જેના ઉત્તરમાં મેયર બીજલ પટેલ અને ભાજપના નેતા અમિત શાહે રાજકીય વોટ બેન્કના વિધાનો કરતા આ મામલો બિચક્યો હતો.

તો વળી કોંગ્રેસના જ ઇમરાન ખેડાવાલાએ પિરાણા ડમ્પસાઇટ પર કચરો છૂટો કરવા ટ્રોમિલ મશીનોની વગર ટેન્ડરે કરવામાં આવેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિજિલન્સ તપાસની માગણી કરી હતી જેના ઉત્તરમાં ભાજપના નેતાએ એમ કહ્યું જૂના ટેન્ડર રદ કરી નવો ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.

બેઠકના પ્રારંભમાં કોંગ્રેસ પક્ષના કાર્યકારી નેતા તૌફિકખાન પઠાણે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા જ જતા હોવાનો ઉલ્લેખ કરીને તંત્ર સામે એવો ખુલ્લો આક્ષેપ કર્યો કે, મ્યુનિ, તંત્ર દ્વારા કોરોનાના રોજેરોજના કેસો અને મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે અને સાચા આંકડા જાહેર કરવામાં ન આવતા લોકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે. આંકડા છુપાવીને કોરોનાની કામગીરીનું ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવતા લોકો છેતરાઈ રહ્યા છે.

પઠાણે મ્યુનિ. માલિકીની ચાર હજાર મિલકતો પ્રીમિયમ લઈને વેચવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો અને એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, મ્યુનિ.ની નાણાકીય સ્થિતિ એવી તો કેવી કથળી ગઈ છે કે મિલકતોના ભાડા વધારવાને બદલે વેચવાની નોબત આવી છે? મ્યુનિ. કમિશનર મુકેશકુમારે એવો ઉત્તર વાળ્યો કે, આ મિલકતો અંગે મ્યુનિ. દ્વારા ૨૦૧૧માં નિર્ણય લેવામાં આવ્યો તો. મિલકતના ભાડુઆતોએ લિટિગેશન કરતા તે મિલકતોની કિંમત ઘટી ગઈ હતી જેનો ઉકેલ લાવવા પ્રીમિયમ લઈ તેમને મિલકત અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here