આગામી ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન  નરેન્દ્ર  મોદી સી-પ્લેન સેવાનું લોકાર્પણ કરવાના છે. ત્યારે આ ટ્વિન-ઓટર્સ સી-પ્લેનનો વજન ૩૩૭૭ કિલોગ્રામ છે. ૧૪૧૯ લીટર ક્ષમતાની બળતણ ટાંકી આ સી-પ્લેન ધરાવે છે.મહત્તમ ૫૬૭૦ કિ.ગ્રા. વજન સાથે આ સી-પ્લેન ઊડી શકે છે. સી-પ્લેન ૧૫.૭૭ મીટર (૫૧ ફૂટ) લાંબુ અને ૫.૯૪ મીટર (૧૯ ફૂટ) ઉંચું છે.  સી પ્લેન PT૬A-૩૪ પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇન વાળા બે એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી-પ્લેનમાં પ્રતિ કલાક ૨૭૨ કિ.ગ્રા. બળતણની ખપત થાય છે.

સી-પ્લેનની ડાબી બાજુ ૧.૨૭ ટ ૧.૪૫ મીટરનો દરવાજો આવેલો છે. સી-પ્લેન ૧૯ પેસેન્જરની ક્ષમતા ધરાવે છે. સી-પ્લેન સામાન્ય પેસેન્જર પ્લેનથી તદ્દન જુદા પડે છે. પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યૂટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે આથી સામાન્ય પેસેન્જર પ્લેનના પાઇલટ માટે લેન્ડિંગ અને ટેક ઓફ એ મુખ્ય કામગીરી રહે છે.

સી-પ્લેનમાં કોમ્પ્યુટર કંટ્રોલ્સ હોતા નથી. વળી તે લો અલ્ટિટયૂડ પર (ઓછી ઊંચાઈ પર) ઊડે છે જ્યાં પાઇલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે. એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર લેન્ડિંગ અને ટેક ઓફ કરે છે જ્યારે સી પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ તરલ અને ગતિશીલ એવી જળ સપાટી પર થાય છે. આથી સી-પ્લેનના પાઇલટની કામગીરી વધુ પડકાર જનક હોય છે. સી-પ્લેનની શોધનો શ્રેય ફ્રાંસના હેન્રી ફેબરને ફાળે જાય છે.

૧૯૧૦માં તેણે ૫૦ હોર્સ પાવર વાળુ સી-પ્લેન ઉડાવ્યુ હતુ. બ્રિટિશ કંપની સુપરમરીને ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ઇ.સ. ૧૯૧૯ માં સૌપ્રથમ ફ્લાઇંગ બોટ સર્વિસ શરૂ કરી હતી. ૧૯૩૦માં અમેરિકા અને યુરોપ વચ્ચે વાહન વ્યવહારના એક માધ્યમ તરીકે સી-પ્લેનનો બહોળો ઉપયોગ થવા લાગ્યો હતો. જેણે સાઉથ અમેરિકા, આફ્રિકા, અને એશિયા વચ્ચે વાહન વ્યવહારના નવા દ્વાર ખોલી આપ્યાં હતા.

નાગરિકો માટે રિવરફ્રન્ટ બંધ, તમામ સ્પીડ બ્રેકર હટાવાયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગામી ૩૧મી ઓક્ટોબરના દિવસે સી-પ્લેન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે ત્યારે તેમના આગમન પહેલાં AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. વડા પ્રધાનના કોન્વોય માટે સાબરમતી રિવરફ્રન્ટ રોડ ઉપરથી તમામ સ્પીડ બ્રેકર હટાવી દેવાયાં છે સાથે રોડ અને ફૂટપાથનું રંગરોગાન કરી દેવાયું છે. રિવરફ્રન્ટ ઉપર સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. AMC દ્વારા સી-પ્લેન માટે તૈયાર કરાયેલી જેટીનો કબજો નાગરિક ઉડ્ડયન વિભાગને સોંપી દેવાયો છે જ્યારે પોલીસ કમિશનર દ્વારા અહીં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સાથે સાબરમતી રિવરફ્રન્ટ અને આશ્રમ રોડને જોડતાં તમામ માર્ગ પણ આગામી ૩૧મી ઓક્ટોબરના દિવસે બંધ કરી દેવાશે.

સાબરમતી નદીમાં ઇમરજન્સી રેસ્કયૂ માટે બે મોટી એર બોટ મૂકાઈ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પણ અમદાવાદ આવી પહોંચી છે. નદીમાં કુલ ૫ જેટલી રેસ્ક્યૂ બોટ અત્યારે મુકવામાં આવી છે અને એર બોટનું ટેસ્ટિંગ સ્ટેટ ડિઝાસ્ટર અને ફયરબ્રિગેડની ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા માટે દરિયામાં પેટ્રોલિંગ માટે વપરાતી બોટ કંડલાથી અમદાવાદ લાવવામાં આવી છે. બે ફયરબ્રિગેડ અને એક નેવીની ટીમ ખડેપગે રાખવામાં આવી છે. સરદારબ્રિજથી આંબેડકરબ્રિજ સુધીમાં પૂર્વ અને પશ્ચિમ છેડે એક એક મોટી એર બોટ મુકવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here