કોરોના વાઈરસ વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાઈરસનો ચેપ લાગે એ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાઈરસની ઘાતકતા સાબિત કરી આપી છે. એ વચ્ચે આજે ‘ઈન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાઈવર્સિટી એન્ડ ઈકોસિસ્ટમ સર્વિસ (આઈપીબીઈએસ)’નો રિપોર્ટ રજૂ થયો હતો.

વન્ય સજીવોમાં સક્રિય છે 17 લાખથી વધુ વાયરસ

આ આંતરરાષ્ટ્રીય રિપોર્ટ પ્રમાણે જંગલમાં રહેતા સજીવોમાં કુલ મળીને 17 લાખ વાઈરસ હોવાનો અંદાજ છે. એમાંથી 8.5 લાખ વાઈરસ એવા છે, જે ચેપી છે અને મનુષ્યને ચેપ લાગી શકે છે. બધા વાઈરસો કોરોના જેવા ન હોય તો પણ એકાદ વાઈરસનો ચેપ પણ મનુષ્યને ભારે પડી શકે એમ છે.

જંગલો કપાતા આવી રહ્યા છે મનુષ્યના સંસર્ગમાં

આ રિપોર્ટ દ્વારા જગતને સાવધાન કરવામાં આવ્યું છે. કેમ કે વિકાસકાર્યોના નામે જંગલો કપાઈ રહ્યા છે અને વન્યજીવોના રહેઠાણો ઓછા થઈ રહ્યા છે. પરિણામે જે સજીવો અગાઉ ભાગ્યે જ મનુષ્યના સંપર્કમાં આવતા હતા એ હવે આસાનીથી મનુષ્યના સંસર્ગમાં આવવા લાગ્યા છે. પરિણામે ચેપ લાગવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

1 સદીમાં નોંધાયા 6 મોટા રોગચાળા

છેલ્લી એક સદીમાં કુલ 6 મોટા વિશ્વવ્યાપી રોગચાળા નોંધાયા છે અને આ તમામ રોગળાચા જંગલી જીવોમાંથી આવ્યા છે. દર વર્ષે વાઈરસ દ્વારા ફેલાતા હોય એવા નવા પાંચ રોગ ધરતી પર જોવા મળી રહ્યા છે. અલબત્ત, બધા ઘાતક નથી હોતા કે બધાનો ચેપ સર્વત્ર ફેલાતો નથી.

વાયરસના ફેલાવાને કારણે અર્થતંત્રને થાય છે અબજોનું નુકશાન

વાઈરસ ફેલાયા પછી અર્થતંત્રને કરોડો-અબજો ડૉલરનું નુકસાન થતું હોય છે એ પણ હવે ગણતરીમાં લેવું જોઈએ. જંગલો કપાઈને ખેતી કરવી, વન્યજીવોનો શિકાર કરી તેનો-અંગોનો વેપાર કરવો વેગેરેનો રોગચાળો ફેલાવામાં મોટો ફાળો છે.

23 અબજ ડૉલરનો વન્યજીવોનો ગેરકાયદેસર વેપાર

એક અંદાજ  પ્રમાણે વર્ષે 23 અબજ ડૉલરનો વન્યજીવોનો ગેરકાયદેસર વેપાર થાય છે. કોરોના પછીય જો જંગલો કાપવાનું અને વન્યજીવોને છંછેડવાનું બંધ નહીં થાય તો ભવિષ્યમાં વધુ વાઈરસ મનુષ્યના શરીરમાં પ્રવેશી ચેપ લગાડી શકે એમ છે. વળી કોરોનાથી સાબિત થઈ ચૂક્યુ છેે કે વધુ શું એકાદ વાઈરસ ઘૂસી આવે તો પણ સમગ્ર ધરતીને ઉંધે માથેે કરી શકે છે. વાઈરસો તો વન્યજીવોમાં હજારો-લાખો વર્ષથી રહે છે. પરંતુ એ પૈકી કેટલાક વાઈરસ એવા હોય છે, જે મનુષ્યના શરીરમાં પ્રવેશ્યા પછી ફેલાઈ શકે છે. તેને મનુષ્યના શરીરમાં આવવા દેવા કે નહીં એ મનુષ્યના હાથમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here