વારસિયાના બહુચર્ચિત બગલામુખી તાંત્રીક પ્રશાંત ઉપાધ્યાય (Prashant Upadhyay)ના આશ્રમ પરીસરમાં કામખ્યા માતા તરીકે ઓળખાતી દિશા ઉર્ફે જોન હાલમાં પોલીસની નીગરાણી વચ્ચે સયાજી હોસ્પિટલ (Sayaji Hospital)માં છે જેના કોવિડ ટેસ્ટ (Corona Test)નો રીપોર્ટ જાહેર થયા પછી ધરપકડ કરાશે. તાંત્રીકની પાપલીલાની રાઝદાર દિશા જોન ઉર્ફે દિશા સચદેવાની ગુનાઈત ભુમિકા અંગે ગોત્રી પોલીસ (Gotri Police)ને ઘણી જ ચોંકાવનારી માહીતી સાંપડી છે. પોલીસ દિશા જોનની પૂછપરછ શરુ કરશે તો પાખંડી તાંત્રિક વિરુધ્ધમાં જડબેસલાક પુરાવા મળશે અને અત્યાર સુધીમાં રહસ્ય બની રહેલી અનેક ગુનાઈત કહાનીઓનો પર્દાફાશ થશે.

શહેરના વાઘોડિયા રોડ કાન્હા ગોલ્ડ ખાતેના નિવાસસ્થાનેથી ગઈકાલે રવિવારે ગોત્રી પોલીસે ઝડપી પાડેલી દુષ્કર્મના આક્ષેપ સાથેની ફરીયાદમાં તાંત્રીકની મદદગાર દિશા ઉર્ફે જોન પોલીસ ઈન્વેસ્ટીગેશન માટે મહત્વનું પાત્ર છે. તેણીના ભુતકાળ ઉપર નજર કરવામાં આવે તો સને 2008માં મુંબઈ છોડીને વડોદરા આવી હતી. વારસીયા વિસ્તારમાં મંદિર ધરાવતાં બગલામુખી તાંત્રીક પ્રશાંત ઉપાધ્યાયના સાનિધ્યમાં આવેલી દિશા સચદેવા ટૂંકા સમયગાળામાં તાંત્રીકની અંગત શિષ્યા બની હતી. મંદિર અને ગોત્રી વિસ્તારના કહેવાતા આશ્રમ પરંતુ આલીશાન બંગલાના તમામ કમરાંઓની ચાવી તેની પાસે રહેતી હતી.

તાંત્રિક જે પાપલીલા આચરતો હતો તેના વિડિયો ક્લીપીંગ્સ સાચવવાનું કામ દિશા જોન કરતી હતી. આ મહિલા આરોપી સ્ત્રીઓને ફોન કરતી હતી અને ગુરુજી તમારી ચિંતા કરે છે તમને યાદ કરે છે તમે આવો તેમ કહીને બોલાવતી હતી અને હવસનો શિકાર બનાવવા માટે બેડરુમમાં મોકલતી હતી. ગોત્રી પોલીસ મહિલા આરોપી દિશાના કોવિડ ટેસ્ટની રાહ જોઈ રહી છે જે જાહેર થયા બાદ ધરપકડ કરીને તલસ્પર્શી પુછપરછ કરાશે.

‘સ્ત્રીના હાથ કોમળ હોઈ એટલા માટે હું તેમની પાસે સેવા કરાવું છું’

તાંત્રિક પ્રશાંતના કાળા કરતૂતો પ્રકાશમાં આવ્યા બાદ ચારેબાજુથી તેની પર ફીટકારની લાગણી વરસી રહી છે. એક સમયે તેની સાથે પડછાયાની જેમ ફરનારા પણ પોતાની ચામડી બચાવવા પ્રશાંતથી દુર થઈ ગયાં છે. એવું પણ કહેવાય છે કે, ગોત્રીમાં આવેલા તેના અત્યંત વૈભવી બંગ્લોઝમાં રાત્રે સેવા માટે પ્રશાંત માત્ર મહિલાઓને જ રાખતો હતો. મહિલાઓને રાખવા પાછળનું એવું કારણ બતાવતો હતો કે, મને ઓસ્ટોપોરોસીસ છે, તેના કારણે મારા હાંડકા બહુ દુ:ખે છે. જેન્ટ્સના હાથ કડક હોવાથી મને વધારે દુ:ખે છે. સ્ત્રીના હાથ કોમળ હોય એટલા માટે હું તેમની પાસે સેવા કરાવું છું. નોંધનીય છે કે, અગાઉ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પાખંડી પ્રશાંત મધરાતે ૩ વાગ્યે એક બિલ્ડરની કારમાં ભાગી ગયો હતો. જેને પોલીસે ચીખલી રોડથી તેની દાસી દિશા ઉર્ફે જોન સાથે ઝડપી પાડયો હતો.

પાખંડીના બે ફિલ્મી ડાયલોગના વીડિયો વાઇરલ થયાં

કાચા કામના કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં કેદ રાખવામાં આવેલાં પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયના ફિલ્મી ડાયલોગવાળા બે ટીકટોક વિડિયો વાયરલ થયાં છે. બહુરુપિયા તાંત્રિકનો એક વિડિયો અમીતાભ બચ્ચનના ડાયલોગનો છે ,રીશ્તે મે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ… નામ હૈ શહેનશાહ.. અને બીજો ડાયલોગ સલમાન ખાનનો છે, હમ યહા કે રોબીનહૂડ હૈ…રોબીનહૂડ પાંડે…

ગોત્રી PI ૩ દિવસની રજા ઉપર

ગોત્રી પી.આઈ. સુનીલ ચૌધરી હાલમાં 3 દિવસની રજા ઉપર હોવાથી ચાર્જ જે.પી.રોડ પી.આઈ. ગોસાઈ પાસે છે. તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય દુષ્કર્મ અને ચિટીંગના કેસમાં સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે તેની સામે વધુ એક દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ છે. આ ગુનામાં તેની ધરપકડ કરવા માટે ગોત્રી પોલીસ દ્વારા ટૂંક સમયમાં પ્રોસીજર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here