યુવક ત્રણ વર્ષ પહેલા કાપોદ્રામાં પંકજ ડાયમંડમાં કામ કરતો હતો, ત્યારે તેની સાથે કામ કરતી યુવતી સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા.

સુરતઃ શહેરના ઉત્રાણ વિસ્તારમાં યુવકને ઘરે બોલાવી પ્રેમીકાના ભાઈએ ચપ્પુ મારી દેતા ચકચાર મચી ગઈ છે. બહેનનો પ્રેમસંબંધ ભાઈને મંજૂર નહોતો. આ અંગે બંને પરિવાર વચ્ચે સંબંધ આગળ નહીં વધારવા માટે સમાધાન થઈ ગયું હતું. આમ, છતાં યુવકને ઘરે બોલાવી ચપ્પુ મારી દેતાં વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, સુરતના અમરોલી સ્થિત ઉત્રાણ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક રત્નકલાકાર તરીકે નોકરી કરી છે. યુવક ત્રણ વર્ષ પહેલા કાપોદ્રામાં પંકજ ડાયમંડમાં કામ કરતો હતો, ત્યારે તેની સાથે કામ કરતી યુવતી સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, આ પ્રેમપ્રકરણની યુવતીના ભાઈને ખબર પડી જતાં યુવતીને સંબંધ તોડી નાંખવા માટે જણાવ્યું હતું.

ગત રવિવારે યુવક-યુવતીના પરિવારજનો મળ્યા હતા અને આ મુદ્દે સમજૂતી થઈ હતી. તેમજ યુવક યુવતી હવે નહીં મળે તેમ નક્કી કરાયું હતું. યુવકે પણ યુવતીને હવે નહીં મળે તેવી ખાતરી આપી હતી. દરમિયાન ગઈ કાલે બપોરે યુવતીના ભાઈએ યુવકને ફોન કરી ઘરે બોલાવતા યુવક ઘરે ગયો હતો. યુવતીનો ભાઈ તેને બાજુના રૂમમાં લઈ ગયો હતો અને તેને ચપ્પુના ઘા મારી દીધા હતા. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે આરોપીને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here