સુરત સહિત રાજ્યભરની શાળા અને કોલેજોમાં દિવાળી વેકેશન (Diwali Vacation) નો માહોલ ધીરે દીરે જામી રહ્યો છે. શાળાઓમાં તો ગત અઠવાડિયાથી જ દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે. જ્યારે કોલેજોમાં આગામી અઠવાડિયાથી વેકેશનને લઈને હલચલ જોવા મળી રહી છે. જેમાં યુનિવર્સિટી પ્રશાસને દિવાળી વેકેશનમાં ફેરફાર કરતા જ આચાર્ય અને અધ્યાપકોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. વેકેશનની તારીખમાં ફેરફાર કરવા માટે આચાર્ય અને અધ્યાપકોએ કરેલી લેખિત-મૌખિક રજૂઆત ફલી હોય કોલેજોમાં હવે 9 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થશે.

રાજ્યના શિક્ષણ વિભાગ (Education Dept) દ્વારા કોલેજોમાં 6થી 18 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું. 19 નવેમ્બરથી શિક્ષણકાર્યનો પુન: આરંભ કરવાની જાહેરાત થઈ હતી. જો કે, શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે રાજ્ય સ્તરે રજૂઆતોનો મારો શરૂ થઈ ગયો છે.

રાજ્યસ્તરના કોલેજ આચાર્ય મંડળે વિવિધ કારણોસર દિવાળી વેકેશનની તારીખમાં ફેરફાર કરી 9 નવેમ્બરથી રજા આપવાની લેખિત રજૂઆત કરી હતી. અધ્યાપક મંડળો દ્વારા પણ યેનકેન પ્રકારે થયા બાદ રાજ્યની કેટલીક યુનિવર્સિટીએ વેકેશનમાં ફેરફાર કર્યો હતો.

એવામાં હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Vir Narmad South Gujarat University) એ પણ વિધિવત રીતે પરિપત્ર જાહેર કરીને દિવાળી વેકેશનમાં ફેરફારની જાહેરાત કરી છે. જે મુજબ હવે દક્ષિણ ગુજરાતની તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં 9થી 21 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here