શહેરમાં ચોરી-લૂંટ જેવી ઘટનાઓ કરતાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. લોકો હાઇટેક થઇ ગયા છે, જેના લીધે ડિજિટલ પેમેન્ટ, ઓનલાઇન શો‌પિંગનો ક્રેઝ વધુ ને વધુ જોવા મળ્યો છે તો બીજી તરફ ગ‌ઠિયા નિતનવી તરકીબનો ઉપયોગ કરીને ઓનલાઇન ચીટિંગ આચરી રહ્યા છે.

સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિઓને સાયબર ક્રાઇમપોલીસ દ્વારા પૂરી મદદ મળી રહી છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક ફરિયાદ નોંધવામાં ‌ઢીલાશ મૂકી રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા એક યુવકને સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવતાં આંખે અંધારાં આવી ગયાં છે.

મેઘાણીનગરમાં રહેતા એક યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ચીટિંગની લેખિત ફરિયાદ આપી છે, જેમાં પોલીસ ગુનો દાખલ કરવાનું તો ઠીક, પરંતુ પૂરતો સહયોગ પણ આપતી નથી. યુવકના જણાવ્યા અનુસાર ૧૫ ઓક્ટોબરના રોજ તેને એક ક્રે‌ડિટ કાર્ડ બેન્ક તરફથી મળ્યું હતું, જેનો ઉપયોગ તેણે પેટ્રોલ પુરાવવા માટે કર્યો હતો. ૩૦ ઓક્ટોબરના રોજ તેના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં તેના ક્રે‌ડિટ કાર્ડથી ૨૫ હજાર રૂપિયાનું શોપિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. ક્રે‌ડિટ કાર્ડનો કોઇ પણ પાસવર્ડ અને ઓટીપી નંબર આપ્યા વગર ઓનલાઇન શોપિંગ થઇ જતાં યુવક ટેન્શનમાં આવી ગયો હતો.

૬ નવેમ્બરના રોજ યુવકે ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો અને તે સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાની વિગતો આપી હતી. કંટ્રોલથી ફોન સીધો સાયબર ક્રાઇમના કંટ્રોલરૂમમાં ટ્રાન્સફર થયો હતો, જેમાં યુવકે તેની સાથે થયેલ તમામ ચીટિંગની ફરિયાદ કરી દીધી હતી. ફરિયાદ કરતાંની સાથે જ સાયબર ક્રાઇમના કંટ્રોલરૂમે એક ટિકિટ નંબર યુવકના મોબાઇલ પર મોકલ્યો હતો. યુવક ટિકિટ નંબર લઇને સીધો મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો, જ્યાં હાજર પીએસઓ (પોલીસ સ્ટેશન ઓફિસરે) તેની ફરિયાદ નોંધવાની જગ્યાએ અરજી લીધી હતી. યુવકે પોતાની જાતે જ અરજી લખીને પીએસઓ ટેબલ પર ઇનવર્ડ કરાવી હતી. અરજી ઇનવર્ડ થયા બાદ બે દિવસ પછી મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકીમાં મળવાનું કહ્યું હતું. ૬ નવેમ્બરના રોજ યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી કરી દીધી છે. આજે પાંચ દિવસ થઇ ગયા, પરંતુ યુવક પોલીસ ચોકીના ધક્કા ખાઇ રહ્યો છે. 

પોલીસ ચોકીમાં તાળું હોય છે

૯ નવેમ્બરના રોજ સાંજના આઠ વાગ્યે યુવક વિદ્યાનગર પોલીસ ચોકીમાં ગયો ત્યારે ચોકીને તાળું હતું. ત્યારબાદ ગઇ કાલે પણ તે બપોરના પાંચ વાગ્યે અને રાતના આઠ વાગ્યે તેમજ અગિયાર વાગ્યે પોલીસ ચોકી ગયો, પરંતુ આખો દિવસ ચોકીને તાળું મારેલું જોવા મળ્યું હતું. 

સાયબર આશ્વસ્ત કંટ્રોલરૂમથી તરત જ ‌ટિકિટ નંબર પહોંચે છે 

સાયબર ક્રાઇમપોલીસ સ્ટેશનના એસીપી જીતુ યાદવે જણાવ્યું છે કે સાયબર આશ્વસ્ત કંટ્રોલરૂમમાં કોઇ પણ સાયબરનો ભોગ બનનાર તરત જ ફોન કરે તો ગણતરીની મિનિટોમાં તેમણે કરેલાં ટ્રાન્જેક્શન બેન્ક દ્વારા અટવાઇ જાય છે અને જો બેન્કથી ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધા હોય તો ભોગ બનનારને એક ટિકિટ નંબર મેસેજ થાય છે, જેના આધારે જે તે પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી શકે છે. ટિકિટ નંબર આપી દીધા બાદ પોલીસ તેમની ફરિયાદ નોંધે કે અરજી લે તેની સાથે સાયબર ક્રાઇમ પોલીસને કોઇ લેવા-દેવા હોતી નથી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here