અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલ પ્રતાપગઢ જિલ્લામાં ગુરૂવારનાં રોજ મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં કુલ 14 લોકોનાં મોત નીપજ્યા હતા.
જેમાં કુલ 6 બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ પાસેથી મળેલ જાણકારી મુજબ ડ્રાઈવરને ઝોકું આવ્યું હતું. જીપનો એટલો ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો કે, એના દરવાજા કટરથી કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં. પોલીસે જણાવતાં કહ્યું હતું કે, મૃતકોમાંથી કુલ 12 લોકો જિરગાપુર ગામના હતા.

ડ્રાઈવર તેમજ એક 9 વર્ષીય બાળક અન્ય ગામના હતા. શેખપુરા ગામમાં લગ્નમાં ગયા હતા. આ અકસ્માત પ્રયાગરાજ હાઈવે પર સર્જાયો હતો. જોરદાર ટક્કરનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને કોલ કર્યા પછી લોકો રાહત-બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા.
આટલા લોકોનાં નીપજ્યા મોત :
40 વર્ષીય ડ્રાઈવર પારસનાથ, 17 વર્ષીય મિથિલેશ કુમાર, 22 વર્ષીય બબલુ, 28 વર્ષીય અભિમન્યુ, 4 વર્ષીય રામસમુઝ, 55 વર્ષીય નાન ભૈયા, 40 વર્ષીય દયારામ અને દિનેશનો સમાવેશ થાય છે. આની સાથે જ 10 વર્ષીય પવન, 7 વર્ષીય અમન, 9 વર્ષીય અંશ, 10 વર્ષીય ગૌરવ, 12 વર્ષીય સચિન તેમજ 12 વર્ષીય હિમાંશુનો સમાવેશ થાય છે.