અનેક સ્થળોએ 10થી13 ડીગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાતા સખત ઠંડીનો અનુભવ
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સવારે તિવ્ર ઠંડીનો દૌર યથાવત રહ્યો હતો. ખાસ કરીને આજે પણ સવારે નલિયા-રાજકોટ-કેશોદ-પોરબંદર-ભુજ-અમરેલીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.
આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર 10.4 ડીગ્રી સાથે નલિયા રહેવા પામ્યું હતું.વાઈટ ક્રિસ્મસનો માહોલ આ વર્ષે નાતાલ પુર્વે સર્જાય તેના અણસાર સમી ઠંડીએ રણપ્રદેશ કચ્છમાં પગપેસારો કરી દીધો છે. ગુજરાતના સૌથી ઠંડા મથક તરીકે જાણીતા બનેલા કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયા ખાતે આજે લઘુતમ તાપમાનનો આંક 10.4 ડીગ્રી સેલ્સીયસ પર પહોંચ્યો હતો અને નલીયા રણપ્રદેશ રાજસ્થાનના જેસલમેર અને બિકાનેર કરતાં વધુ ઠંડુ બન્યુ હતું જયારે જિલ્લાના મુખ્યમથક ભુજમાં લઘુતમ તાપમાનનો આંક 14 ડીગ્રી સે. જેટલો રહેતાં શહેરીજનો ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા છે. જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી બર્ફવર્ષાને પગલે આગામી સપ્તાહ દરમ્યાન રણપ્રદેશની તાસીર સમી ઠંડી કચ્છમાં પોતાના ડેરા તંબુ તાણશે. વધતી જતી ઠંડીની અસર હેઠળ બપોરે પણ ઠંડક અનુભવાઈ હતી અને ઉતર દિશાએથી વાતા ઠંડા પવનોએ પણ હાજરી પુરાવતા લોકોને શિયાળાની અનુભૂતિ થવા પામી છે.
આ ઉપરાંત આજે પણ રાજકોટ શહેરમાં 13 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે સખ્ત ઠંડીનો અહેસાસ થયો હતો.દરમ્યાન આજે સવારે અમદાવાદમાં 16.1 ડીસામાં 12.9, વડોદરામાં 18, સુરતમાં 18.4, કેશોદમાં 13.3, ભાવનગરમાં 16.7, પોરબંદરમાં 15.4, વેરાવળમાં 19.5, દ્વારકામાં 18.4, ઓખામાં 22.8, ભુજમાં 15.4, સુરેન્દ્રનગરમાં 16.9, કંડલામાં 13.1 અને અમરેલીમાં 16.6 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
ખંભાળીયામાં કાતિલ ઠંડીનું મોજુ
ખંભાળીયા સહીત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલથી નોંધપાત્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો છે.ખંભાળીયામાં કારતક માસના પ્રારંભે હાલ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. જેમાં ગઈકાલથી ઠંડીનું જોર વધી રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. ગતરાત્રીના ઠંડીના વધેલા પ્રમાણ વચ્ચે આજે સવારે ઠંડા ફુંકાતા પવનથી લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે. ઠંડીના વધેલા પ્રમાણથી જનજીવન પ્રભાવિત થયું છે. આજે સવારે બજારો મોડી ખુલી હતી અને લોકો સ્વેયર, જેકેટ, ટોપીમાં જોવા મળ્યા હતા. હાડ થીજવતી આ ઠંડીના કારણે શહેરમાં તાવ-શરદીના કેસોમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.