સરકારે કોરોનાને કાબુમાં લેવા કોઈ કાર્યવાહીના કરી, હવે કર્ફ્યુ નાંખીને પ્રજાને સજાગ રહેવાની સલાહ આપે છે
ગુજરાતમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી, મંદિરો અને પ્રવાસન સ્થળ પર લોકો ઉમટી પડી રહ્યા હતા, તે દરમિયાન કોરોનાને કાબુમાં લેવા સરકારે કોઈ પ્લાનિંગ ના કર્યું તે સમયે મીડિયા અને સોશિયલ મીડિયામાં નેતાઓ તથા પ્રજાની ભીડના કારણે કોરોના વિસ્ફોટ થવાનો ભય સતત વ્યક્ત કરવામાં આવ્યો હતો. છતાં સરકારે કોઈ પગલાં લીધા ન હતા અને હવે એકાએક કર્ફ્યુ લાદી દઈને સરકાર કોરોના કાબુમાં લેવા માટે કાર્યવાહી કરી રહી છે. સરકારે વિકટ પરિસ્થિતિમાં પણ બધું જ ખુલ્લું મૂક્યું હતું અને હવે એકાએક અમદાવાદમાં કર્ફ્યુનો આદેશ આપ્યો છે. જેથી હવે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળાં મારવા જેવો ઘાટ સર્જાયો છે. સરકારે ફરી એકવાર લોકોને અસમંજસમાં મૂકી દીધા છે
નિયમો બનાવી સરકારે જ અમલવારીમાં ઉદાસીનતા દાખવી
તહેવારો પર બજારોમાં અને ચૂંટણી સમયે સભાઓમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સરકારે નિયમો બનાવ્યા પરંતુ ખુદ સરકારે જ તેની અમલવારીમાં ઉદાસીનતા બતાવી છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, કોરોનાના વધતા કેસો માટે જવાબદાર કોણ?
સ્કૂલો ખોલવાનો નિર્ણય પણ મુલત્વી રાખવો પડ્યો
ગત રાત્રે એક પછી એક સરકારના ચોંકાવનારા નિર્ણયો સામે આવ્યા જે મુજબ અમદાવાદમાં આજ રાત્રિથી 57 કલાકનું કર્ફ્યુ લગાવવામાં આવ્યું અને અને સાંજે જે નિર્ણય પર સરકાર અડગ દેખાતી હતી તે નિર્ણય રાત્રે જ બદલી નાખ્યો અને સ્કૂલો હવે 23 નવેમ્બરથી નહીં ખુલે તેવી જાહેરાત કરી દીધી હતી. અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અહીં કોરોનાએ ફરી માથું ઊંચકતા સરકારે 57 કલાકનું મિની લોકડાઉન જાહેર કર્યું છે. જે મુજબ હવે આજે શુક્રવારથી રાત્રિના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી શહેરમાં સંપૂર્ણ કર્ફ્યુ રહેશે. જ્યારે દૂધ અને દવાની દુકાનો ખુલી રાખી શકાશે.
8 દિવસમાં જ રાજ્યમાં 8 હજાર કેસ નોઁધાયા
રાજ્યમાં 8 દિવસમાં જ 8 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, અને 45 લોકોના મોત થયા છે. શિયાળો આગળ વધી રહ્યો છે. ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં અચાનક લાદવામાં આવેલો કર્ફ્યુ નો નિર્ણય લંબાવવામાં આવે તેવી શકયતા છે. રાજ્યના અન્ય શહેરોમાં જ્યાં કેસો વધી રહ્યા છે ત્યાં પણ કર્ફ્યુ લાદવાની વિચારણા ચાલી રહી છે. આ સ્થિતિમાં લોકોએ હવે પોતાની રીતે જ જાગૃત થઈ સાવચેત બની, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનના અન્ય નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે.