અમદાવાદ જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં હોવાથી ત્યાં કરફ્યુ લદાયો નથી.પરંતુ તકેદારીના પગલારૂપે સર્વેલન્સ, ટેસ્ટિંગની કામગીરી વધારવાનો નિર્ણય જિલ્લાતંત્ર દ્વારા લેવાયો છે. આગામી મંગળવારથી ગામડામાંથી શહેરમાં પ્રવેશવાના કુલ ૮ માર્ગો પર ‘ટેસ્ટિંગ પોઇન્ટ ‘ચાલુ કરી દેવાશે.
જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં શુક્રવારે જિલ્લાના નોડલ અધિકારીઓ, તાલુકાના હેલ્થ ઓફિસર , જિલ્લાના મેડિકલ ઓફિસરની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોના સંક્રમણને નાથવા માટે જરૂરી પગલા ભરવાની સુચનાઓ અપાઇ હતી.
અમદાવાદના ‘પિંન્ક સ્પોર્ટ ‘ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે
સંક્રમણની દ્રષ્ટિએ છેલ્લા પંદર દિવસથી ‘પિંન્ક સ્પોર્ટ ‘ જાહેર કરાયેલા ધંધૂકા, બાવળા, ચાંગોદર, સનાથલ, શેલા, વિરમગામ, સાણંદ અને મોરૈયામાં સર્વેલન્સ અને ટેસ્ટિંગ અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે.
ઉપરાંત ધોળકા તાલુકાના ધોળકા, કોઠ, નાની બોરૂ, દસક્રોઇ તાલુકાના ભુવાલડી, જેતલપુર, કાસિન્દ્રા, મીરોલી, નાંદેજ, ટીંબા, દેત્રોજ તાલુકામાંરૂદાતલ, વાસણા, ધંધૂકા તાલુકામાં તગડી, માંડલ તાલુકામાં સીતાપુર, વિઠ્ઠલાપુર, સાણંદ તાલુકામાં સરી , તેલાવ ગામ પર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય જિલ્લાતંત્ર દ્વારા લેવાયો છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં ૪૫૦ થી વધારીને બેડની સંખ્યા ૬૦૦ કરી દેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ નગર પાલિકા બારેજા, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધૂકામાં પણ વિશેષ ધ્યાન રખાશે. જિલ્લામાં રોજના ૩૦૦૦ ટેસ્ટિંગ કરાશે.