અમદાવાદ શહેરમાં દિવાળી પર્વના નવ દિવસ દરમિયાન કોરોનાના કેસ વધતા શુક્રવાર રાતથી 57 કલાક માટે કરફયૂનો અમલ શરૂ કરાયો છે. કોરોના કેસના સાચા આંકડાની જેમ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન AMC હદમાં કોરોનાથી થતા મોતના આંકડા પણ ઘટાડીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજુ કરાઈ રહ્યા છે.
AMC અને ફાયરના આંકડામાં ફેર
11 નવેમ્બરથી 19 નવેમ્બર-2020 સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 26 જાહેર કરાયો છે. અમદાવાદ ફાયર વિભાગના ચોપડા પર આ સમયગાળામાં કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ જેમના મોત થયા હોય અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય એવા કુલ 74 મોત નોંધાયા છે. આમ જાહેર કરવામાં આવેલા કોવિડ મોત અને ફાયરના 48 જેટલા મોતનો તફાવત જોવા મળી રહ્યો છે.
મોતના આંકડા પણ ઘટાડીને બતાવાઈ રહ્યા છે
મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણાં સમયથી શહેરમાં કોરોના સંક્રમણ ઘટતુ હોવા અંગેના ચિત્ર સાથેના આંકડા રજુ કરવામાં આવી રહ્યા છે. નોંધાતા કેસમાં વિવિધ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર અને ડોમમાં કરાતા ટેસ્ટના આંકડા મ્યુનિ.ના હેલ્થ વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતા જ નથી. આ પ્રમાણે મોતના આંકડા પણ ઘટાડીને બતાવાઈ રહ્યા છે.
સત્તાવાર આંકમાં ઘટાડો
11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધીમાં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં કોરોનાથી સત્તાવાર જાહેર કરવામાં આવેલા આંકમાં પણ નોંધપાત્ર ધટાડો કરી જાહેર કરવામાં આવ્યા છે. દરિયાપુરના કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ પ્રતિક્રીયા આપતા કહ્યું, અમદાવાદ ફાયર વિભાગ એ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ ભાગ છે.
સાચા આંકડા જાહેર હીતમાં જાહેર કરવા
ફાયર વિભાગ દ્વારા કોવિડ ગાઈડલાઈન પ્રમાણે, મૃતકોના અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવતી હોય છે. આમ છતાં મ્યુનિ.દ્વારા મોતના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. એ શહેરના હીતમાં નથી. મ્યુનિ.એ કોરોના કેસ અને મોત બંનેના સાચા આંકડા જાહેર હીતમાં જાહેર કરવા જોઈએ.
અમદાવાદ શહેરમાં કોવિડથી મોતમાં કયાં-કેટલો તફાવત?
તારીખ | સત્તાવાર | ફાયરના |
– | આંક | ચોપડે |
11 | 02 | 10 |
12 | 03 | 07 |
13 | 03 | 07 |
14 | 02 | 11 |
15 | 03 | 08 |
16 | 03 | 07 |
17 | 03 | 07 |
18 | 04 | 10 |
19 | 03 | 07 |