રાજકોટ : ગોંડલ ચોકડી ખાતે ભાજપનાં અધ્યક્ષ પાટીલનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ હજારોની સંખ્યામાં જોડાયા હતા. આ તકે સાંસદ મોહન કુંડારીયા અને શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહીતના અગ્રણીઓએ ફુલહાર પહેરાવી પાટીલને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને તેમના માટે ખાસ તૈયાર કરાયેલી ખુલ્લી જીપમાં બેસાડી ભવ્ય સ્કૂટર રેલી યોજવામાં આવી હતી.

જો કે આ પ્રસંગે કોરોના કાળ હોવા છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. તેમજ સામાન્ય લોકો સામે દંડો પછાડતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ મૂક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સ્કુટર રેલીને કારણે ઠેર-ઠેર રસ્તાઓ બંધ કરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને લોકોમાં રોષ જોવા મળતો હતો. ઉપરથી નેતાઓ સામે નતમસ્તક બનેલી પોલીસનાં ડરથી કે પછી સિસ્ટમના ડરથી સામાન્ય લોકોએ મૂંગા મોઢે હાલાકી ભોગવી લીધી હતી. નાના બાળકને મોટાઓ ઘણીવાર અદબ-મોંઢા પર આંગળી મુકવાની સજા કરતાં, જેને કારણે બાળક ના ચૂં કરે ના ચાં… બસ આવી જ હાલત આજે અહીં પોલીસ સહિતના તંત્રની જોવા મળી હતી.

આ તકે ભાજપના નેતા અને પૂર્વ મેયર જનક કોટક સહિતનાં કેટલાય દિગ્ગજો માસ્ક વગર નજરે પડ્યાં હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ સહિત કોર્પોરેશનનાં કોઈ અધિકારીઓને તો જાણે દેખાયું જ ન્હોતું અને સોશિયલ ડિસ્ટન્સનાં પણ લીરેલીરા ઉડ્યા છતાં સૌકોઈ ચૂપચાપ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસો દિવસે-દિવસે ઝડપથી વધી રહ્યા છે. જેને પગલે ગણપતિ પંડાલને મંજૂરી નથી. ત્યારે સી. આર પાટીલ માટે જુદા જુદા ચોકમાં સ્ટેજ શા માટે ઉભા કરવામાં આવ્યા તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા હતા. હવે તબલીઘી જમાતની શું વાત કરવી, આ જમાતે બધાને શરમાવી દીધા જેવી પણ ચર્ચાઓ લોકમુખે સંભળાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here