કોરોનાના કહેર (Corona Virus)માં શહેર પોલીસમાં દુઃખદ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમા એક કોરોના વોરિયરે પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો છે. ટ્રાફિક પોલીસ (Traffic Police)માં ફરજ બજાવતા પોલીસકર્મી પર એવી આફત આવી તૂટી કે એક જ પરિવારના ત્રણ સભ્યોને કાળમુખી કોરોના ભરખી ગયો હતો.

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police)માં ફરજ બજાવતાં કોન્સ્ટેબલે માત્ર પાંચ જ દિવસમાં જ કોરોનાગ્રસ્ત માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા છે. દિવાળી પહેલા તેઓને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં રૂ. 17 લાખ જેટલુ બિલ ચૂકવવા છતાં ત્રણેય સ્વજનોને બચાવી શકાયા નથી.

ચાંદખેડામાં આવેલા વૃંદાવન ડુપ્લેક્ષમા રહેતાં અને ટ્રાફિક બી-ડિવિઝનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધવલ રાવલના પિતા અનિલભાઈ રાવલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાદમાં તેમની માતા નયનાબહેન અને ભાઈ ચિરાગ પણ પોઝિટિવ આવ્યા હતા. માતા-પિતાને સારવાર માટે ઠક્કરનગરની જ્યારે ભાઈને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કાળીચૌદસની રાતે તેમની માતાની તબિયત લથડતાં વેન્ટિલેટર પર રાખવાની સ્થિતિ ઉભી થઈ હતી. ડોક્ટરોએ વેન્ટિલેટર ન હોવાનું કહી નયનાબહેનને સિવિલ કોવિડ હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું. આથી નયનાબહેન અને પિતા અનિલભાઈને પણ સિવિલ હોસ્પિટલમા દાખલ કર્યા હતા. જ્યાં માતાનુ મૃત્યુ નિપજ્યુ હતુ. બીજા જ દિવસે ખાનગી હોસ્પિટલમાં ભાઈ ચિરાગનું પણ મૃત્યુ થયું હતું. માતા અને ભાઇના મોતના આઘાતમાંથી પરિવાર બહાર આવે તે પહેલા રવિવારે તેમના પિતા અનિલભાઈનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here