ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ પોતાના જ ઘરમાં બે અલગ અલગ કેપ્ટનને સામનો કરવાનો છે. આ સંજોગોમાં કાંગારું ટીમ અલગ જ અભિગમ સાથે મેદાનમાં ઉતરે તેવી અપેક્ષા રખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરનું માનવું છે કે ટીમે વિશેષ પ્લાનિંગ કરવું પડશે. ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી ટેસ્ટ બાદ ભારતીય ટીમનો નિયમિત સુકાની વિરાટ કોહલી વતન પરત ફરી જવાનો છે કેમ કે તેની પત્ની અને બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા તેમના પ્રથમ સંતાનને જન્મ આપનારી છે.
કોહલી અને રહાણે બંને એકબીજાના પૂરક
આમ બાકીની ત્રણ ટેસ્ટમાં અજિંક્ય રહાણે ભારતીય ટીમની આગેવાની લે તેવી સંભાવના છે. ડેવિડ વોર્નરે જણાવ્યું હતું કે ચોક્કસપણે વિરાટ કોહલીની ખોટ પડશે. તે શાનદાર ખેલાડી છે તો બીજી તરફ રહાણે શાંત ખેલાડી છે અને અલગ જ અભિગમ સાથે આવતો હોય છે. તેની પાસે ક્રિકેટનું સારુ દિમાગ છે. કોહલી વિશે 34 વર્ષના ડેવિડ વોર્નરે જણાવ્યું હતું કે તે આક્રમક કેપ્ટન છે. તે એકદમ પ્રોફેશનલ છે અને તમે તેની સામે હો ત્યારે તે આકરો મુકાબલ કરતો હોય છે જ્યારે અજિંક્ય રહાણે શાંત છે. કોહલી અને રહાણે બંને એકબીજાના પૂરક છે.
ટીમની કપ્તાની સંભાળી શકે તેમ છે
રહાણે છેક સુધી પ્રયાસ કરીને મેદાન પર ટકી રહેવામાં માને છે અને તે માટે તે આકરી મહેનત કરે છે. ઓસ્ટ્રેલિયન ઓપનરે જણાવ્યું હતું કે ભારત પાસે સારી બાબત એ છે કે તેની પાસે ટીમમાં એવા ત્રણથી ચાર ખેલાડી છે જે ગમે ત્યારે ટીમની કપ્તાની સંભાળી શકે તેમ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ 17મી ડિસેમ્બરે રમાશે અને એ અગાઉ બંને વચ્ચે વન-ડે અને ટી20 સિરીઝ રમાશે.