ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝનો પ્રારંભ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે બંને પક્ષે દરરોજ કોઈને કોઈ નિવેદન આવી રહ્યા છે. જોકે અગાઉની માફક આ વખતે કોઊ વાકયુદ્ધ કે વિવાદાસ્પદ નિવેદન થતાં નથી પરંતુ પોતપોતાની ટીમના કાબેલ ખેલાડીને પ્રમોટ કરતા હોય તેવી કોમેન્ટ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન અને તાજેતરમાં જ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચાડનારા કોચ રિકી પોન્ટિંગે એક ખેલાડી વિશે વાત કરી છે અને કહ્યું છે કે આ ખેલાડી ભારતને ટેન્શન અપાવી શકે તેમ છે.
રિકી પોન્ટિંગે માર્કસ સ્ટોઇનિસના કર્યા વખાણ

રિકી પોન્ટિગનું માનવું છે કે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અગાઉ કરતાં પાંચ ગણો બહેતર ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયા માટે મેચ ફિનિશર સહિત ઘણી ભૂમિકા અદા કરી શકે તેમ છે. સ્ટોઇનિસે આ વખતે આઇપીએલમાં દિલ્હીની ટીમ માટે રમીને 352 રન ફટકારવા ઉપરાંત 13 વિકેટ પણ ઝડપી હતી. હકીકતમાં આઇપીએલનો પ્રારંભ થયો તેના બીજા જ દિવસે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં સ્ટોઇનિસે માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. જેમે કારણે તે એકદમ પ્રકાશમાં આવી ગયો હતો.
ભારત સામેની ટીમમાં સામેલ

સ્ટોઇનિસ હવે શુક્રવારથી ભારત સામે શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો છે. પોન્ટિંગે જણાવ્યું હતું કે સ્ટોઇનિસમાં આવેલા શાનદાર પરિવર્તન અંગે એલેક્સ કેરીએ મને જાણ કરી હતી. હું આઇપીએલ માટે પહોંચ્યો જ્યારે સ્ટોઇનિસ ઇંગ્લેન્ડથી સીધો જ આવ્યો હતો. હું તેનામાં આવેલા પરિવર્તન જોવા આતુર હતો. તેના કેટલાક પ્રારંભિક નેટ સેશન બાદ જ હું કહી શકું તેમ હતો.
પોન્ટિંગે ઉમેર્યું હતું કે સ્ટોઇનિસને જોયા બાદ મને લાગ્યું કે છેલ્લા બે વર્ષની સરખામણીએ તેનામાં પાંચ ગણો ફેરફાર થઈ ગયો છે.
31 વર્ષના સ્ટોઇનિસને ગયા વર્ષે વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપના કંગાળ દેખાવ બાદ ટી20 ટીમમાંથી બહાર કરી દેવાયો હતો પરંતુ તેણે આકરી મહેનત કરીને ટીમમાં સ્થાન હાંસલ કર્યું હતું.