કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, એ પછી તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. તેમણે ઘણાં વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ તેમના કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે તેમના પુત્ર ફૈજલ સાથે વાત કરી અને સાંત્વના પાઠવી. અહેમદ પટેલના આત્માને શાંતિ મળે.

28 વર્ષની ઉંમરે સાંસદ બની ગયા હતા
પેટલનો જન્મ 21 ઓગસ્ટ 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના પિરામણ ગામમાં થયો હતો. તેઓ 3 વાર લોકસભા સાંસદ (1977થી 1989) અને 4 વાર રાજ્યસભા સાંસદ (1993થી 2020) બન્યા હતા. તેમણે પહેલી ચૂંટણી 1977માં ભરૂચ લોકસભા સીટ પરથી લડી હતી અને 62,879 વોટથી જીત્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષ હતી. 1980માં પટેલ ભરૂચથી જ 82,844 વોટથી અને 1984માં 1,23,069 વોટથી જીત્યા હતા.

માધવરાવ સિંધિયા સાથે અહેમદ પટેલ

સોનિયાના રાજકીય સલાહકાર હતા
પટેલ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 1985 સુધી તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા હતા. તેઓ 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. જાન્યુઆરી 1986માં તેઓ ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. 1977થી 1982 સુધી યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા હતા. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી રહ્યા હતા.

એહમદ પટેલ 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા

કોંગ્રેસનેતા દિગ્વિજય સિંહ સહિત અનેક અન્ય નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ‘અહેમદભાઈ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા અને જ્યાં પણ રહ્યા, નમાઝ પઢવામાં ક્યારેય ચૂકતા નહોતા. આજે દેવઊઠી એકાદશી પણ છે જેનું સનાતન ધર્મમાં ઘણું મહત્ત્વ છે. અલ્લાહ તેમને જન્નતઉલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાએં’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here