દિલ્હીમાં કોરોના કેર સતત વધી રહ્યો છે, દેશની રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 6224 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે સતત પાંચમાં દિવસે દિલ્હીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે.દિલ્હીમાં કોરોનાનાં કુલ 5,40,541 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 4943 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,93,419 લોકો સારવાર બાદ સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાના 38,501 એક્ટિવ કેસ છે. કોરોના વાયરસને કારણે, દિલ્હીમાં દર કલાકે સરેરાશ 5 લોકો મરી રહ્યા છે. આ પહેલા સોમવારે દિલ્હીમાં કોરોનાથી 121 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
દિલ્હીમાં સતત વધી રહેલા કોરોનાનાં મુદ્દે એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે તહેવારોની સીઝનમાં કોરોના નિયમોની અવગણના કરવામાં આવી છે. લોકો લગ્ન સમારોહમાં ફોટો ખેંચાવવા માટે માસ્ક લગાવવાનું પણ ભૂલી ગયા હતા. કોરોનાને ફેલાતો રોકવા માટે નક્કી કરેલા તમામ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
રાજધાનીમાં કેસ સાથે વધ્યો મૃત્યુઆંક
રાજધાનીમાં કોરોનાનાં વધતા જતા નવા કેસો સાથે જ મૃત્યુઆંક પણ વધ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, નવેમ્બર મહિનામાં કોરોનાથી 2000 થી વધુ લોકોનાં મોત થયાં છે. નવેમ્બર પહેલાં, જૂન મહિનામાં મૃત્યુનો આંક 2000 ને વટાવી ગયો હતો. જો કે નવેમ્બરમાં નોંધાયેલા મૃત્યુઆંક જૂન મહિનાનાં રેકોર્ડને પણ તોડી શકે છે.

બીજી તરફ, દિલ્હી સરકારનું કહેવું છે કે, વધુ મોત પણ પરાલી સળગાવવાથી ફેલાતા પ્રદૂષણને કારણે થઇ રહી છે. દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે પરાલીને સળગાવવાથી થતાં પ્રદૂષણને કારણે કોવિડ પીડિતોનાં કેસ ખૂબ જ ખરાબ થયા છે અને આ કારણે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી પ્રદૂષણ ખૂબ ઓછું છે, તેની અસર જોવા મળશે અને મોત પણ ઓછા થશે.