સાંસદોને લક્ઝુરીયસ ફોર બેડ ફ્લેટની ભેટ આપ્યા પછી મોદી હવે પોતાના માટે નવી ઓફિસ અને નવું ઘર બનાવવાના છે. આ માટે લગભગ છસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ બંને ઈમારતો લગભગ ૬૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હશે ને લોકોની આંખો અંજાઈ જાય એવી ભવ્ય હશે.
ચાર નવી ઈમારતો પણ ઉમેરી દેવાઈ
મોદીએ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવું કેન્દ્રીય સચિવાલય તથા સંસદ બનાવવાનો પ્રોજેક્ટ બે વર્ષ પહેલાં હાથ જાહેર કરેલો. હવે ગૂપચૂપ તેમાં ચાર નવી ઈમારતો પણ ઉમેરી દેવાઈ છે. પીએમઓ, પીએમ રેસિડેન્સ, વાઈસ પ્રેસિડેન્ટ એન્કલેવ અને એસપીજી એકોમોડેશન એ ચાર નવી ઈમારતો પણ આ પ્રોજેક્ટમાં બનશે.
ઓફિસને ઘર પાછળ જ ખર્ચાવાના છે
મૂળ પ્રોજેક્ટનો ખર્ચ ૧૧,૭૯૪ કરોડ રૂપિયા નક્કી થયેલો. નવી ઈમારતો પાછળ બીજા ૭૬૪ કરોડ ખર્ચાશે ને તેમાંથી ૬૦૦ કરોડ તો વડાપ્રધાનની નવી ઓફિસને ઘર પાછળ જ ખર્ચાવાના છે. પ્લાનમાં કરાયેલા ફેરફારની વિગતો ખાનગી રખાઈ હતી પણ પર્યાવરણ મંત્રાલયની મંજૂરી માટે નવી અરજી કરાતાં આ વિગતો બહાર આવી ગઈ છે.