કોંગ્રેસનેતા અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે બુધવારે નિધન થઈ ગયું છે. પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા. તેઓ સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં સામેલ હતા. પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી, પણ તેઓ ક્યારેય સરકારનો હિસ્સો નહોતા રહ્યા. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા, તો ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.

રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલનું કદ વધ્યું હતું
કોંગ્રેસમાં અહેમદ પટેલનું કદ 1980 અને 1984ના સમયે વધ્યું, જ્યારે ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને પટેલને કોંગ્રેસ સાંસદ હોવા સિવાય પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.

નરસિમ્હા રાવના સમયે મુશ્કેલીઓ સામે લડવું પડ્યું હતું
1991માં જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને સાઈડમાં કરી દેવાયા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યપદ સિવાયનાં તમામ પદો પરથી અહેમદને હટાવી દેવાયા. એ વખતે ગાંધી પરિવારનો પ્રભાવ પણ ઓછો થયો હતો, એટલા માટે પરિવારોની વફાદાર વ્યક્તિઓએ મુશ્કેલી સામે ઝઝૂમવું પડ્યું હતું. નરસિમ્હા રાવે મંત્રીપદની રજૂઆત કરી તો પટેલે ઠુકરાવી દીધી હતી. તેઓ ગુજરાતથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી ઘર ખાલી કરવા માટે સતત નોટિસ મળવા લાગી, પણ કોઈની પાસેથી મદદ ન લીધી.

એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મોડી રાત સુધી કામ કરવું અને કોઈપણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન પર કોઈપણ કામ સોંપી દેવું એ પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તેઓ એક મોબાઈલ ફોન હંમેશાં ફ્રી રાખતા હતા, જેની પર માત્ર 10 જનપથથી જ ફોન આવતા હતા. તેઓ એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટેજીથી કામ કરવાની વાત કહેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here