ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી દિપડાની શોધખોળ હાથ ધરી છે
ગીર ગઢડાના લુવારી-મોલી ગામે વાડીમાં ખેતમજૂરી કરતા પરિવારના બે વર્ષના બાળક ધવલ ભીખુભાઈ જોરીયા પર દિપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. પરંતુ વાડીમાં હાજર બાળકના પિતાએ દિપડા સાથે બાથ ભીડી પોતાના દીકરાને બચાવી લીધો હતો. પરિવારજનોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને બાળકને સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના પીઠના ભાગે સિંહે નહોર માર્યા હોવાથી લોહીલૂહાણ બન્યો હતો.

વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને દિપડાની શોધખોળ હાથ ધરી છે. વન વિભાગની ટીમે પરિવારજનોની પૂછપરછ કરી દિપડાએ કેવી રીતે હુમલો કર્યો તે અંગે માહિતી મેળવી હતી. વન વિભાગે આસપાસના ખેતરો અને જંગલ વિસ્તારમાં દિપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. દિપડાએ બે વર્ષ બાળકને મોત ઘાટ ઉતારી દેતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં અવારનવાર દિપડા આવી ચડે છે
ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દિપડા આવી ચડે છે. દિપડાના આતંકથી ગ્રામજનો પણ ફફડી રહ્યા છે. વાડીએ કામ કરતા ખેડૂતો પણ ડરી રહ્યાં છે. હાલ શિયાળુ પાકના વાવેતરની કામગીરી અને પાણી વાળવાની મોસમ ચાલી રહી છે ત્યારે દિપડાના આ હુમલાથી ખેડૂતો ખેતરે જતા ડરી રહ્યાં છે.