ભારતીય ક્રિકેટના સર્વકાલીન મહાન સ્પિનર અનીલ કુંબલેએ તેની કારકિર્દીમાં ઘણી વાર શાનદાર બોલિંગ કરીને ભારતને સફળતા અપાવી છે. દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સામે તો કુંબલેએ બીજા દાવની તમામ દસેય વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એક ઇનિંગ્સની તમામ દસ વિકેટ લેનાર કુંબલે માત્ર બીજો બોલર બન્યો હતો. આજેય માત્ર બે જ બોલર આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. આવી જ રીતે કુંબલેના કેટલાક પ્રદર્શન યાદગાર રહ્યા છે.

સર્જરી કરાવી હતી છતાં અનીલ કુંબલેએ બોલિંગ કરી

1997માં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડ્યો ત્યારે કુંબલેના ચહેરા પર વાગ્યું હતું. તેને જડબામાં સર્જરી કરાવવી પડી હતી તેમ છતાં તેણે બોલિંગ કરી હતી.

આ જ અનીલ કુંબલેએ બરાબર 27 વર્ષ અગાઉ આજના દિવસે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે અદભૂત બોલિંગ કરી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હીરો કપની મેચ રમાઈ રહી હતી. 1993ની 27મી નવેમ્બરે રમાયેલી આ મેચમાં કુંબલેએ અત્યંત વેધક બોલિંગ કરીને ભારતને 102 રનથી ભવ્ય વિજય અપાવ્યો હતો.

બોલિંગમાં આવેલા કુંબલેએ તરખાટ મચાવ્યો હતો

અનીલ

એ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં સાત વિકેટે 225 રનનો સ્કોર નોંધાવ્યો હતો. વિનોદ કાંબલીએ 68 રન અને મોહમ્મદ અઝગરુદ્દીને 38 રન ફટકાર્યા હતા. હવે વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ આવી અને મહાન બ્રાયન લારાએ ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. લારાએ 33 રન ફટકાર્યા હતા. 226 રનનો ટારગેટ આમ તો આસાન હતો પરંતુ કપિલદેવ અને મનોજ પ્રભાકર ઉપરાંત સચિન તેંડુલકરે ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ત્યાર બાદ બોલિંગમાં આવેલા કુંબલેએ તરખાટ મચાવ્યો હતો અને માત્ર 12 રન આપીને છ વિકેટ ઝડપી લીધી હતી.

કુંબલેના આતંક સામે કેરેબિયન ટીમ કાંઈ પ્રતિકાર કરી શકી ન હતી. કુંબલેએ 6.1 ઓવરમાં બે મેડન ફેકીને માત્ર 12 રન આપીને છ બેટ્સમેનને પેવેલિયનમાં મોકલી દીધા હતા. ભારતના વન-ડે ઇતિહાસમાં 2014 સુધી આ પ્રદર્શન શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. 2014માં સ્ટુઅર્ટ બિન્નીએ બાંગ્લાદેશ સામે ચાર રન આપીને છ વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here