• ઓસ્ટ્રેલિયામાં અદાણીના કોલ પ્રોજેક્ટનો લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે
  • વિરોધી વ્યક્તિએ SBIને આ પ્રોજેક્ટ માટે લોન ન આપવા પ્લે-કાર્ડમાં લખ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે રમી રહી છે. મેચ દરમિયાન એક વ્યક્તિએ મેદાનમાં ઘુસીને અદાણી ગ્રુપનો વિરોધ કર્યો. તેના હાથમાં એક પ્લે-કાર્ડ હતું, જેના પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયન (લગભગ 7389 કરોડ રૂપિયા)ની લોન ન આપે તેવું લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપના કોલ પ્રોજેક્ટનો ઓસ્ટ્રેલિયામાં ઘણા લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સભામાં પણ અદાણીના કોલ પ્રોજેક્ટ સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી વિરોધ થઇ રહ્યો છે એવી ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં તેના કાર્માઈકલ ખાણ પર કામ શરૂ કરવા માટે અદાણી ગ્રુપની અદાણી ઓસ્ટ્રેલિયાને ગત વર્ષે અંતિમ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી.

શાં માટે અદાણીનો વિરોધ થઈ રહ્યો છે?
અદાણી ગ્રુપે થોડા વર્ષો પૂર્વે ઓસ્ટ્રેલિયામાં ક્વિન્સલેંડમાં કોલસાની ખાણ ખરીદી હતી અને કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. પરંતુ, આ કોલ માઇનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થશે જે આગળ જતાં ઓસ્ટ્રેલિયામાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતી ઊભી કરશે. અદાણી દ્વારા ક્લાઇમેટને કોઈ નુકસાન નહીં પહોચડવાની ખાતરી અપાયા છતાં પણ તેની સામે વિરોધ ચાલુ છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે, આ પ્રોજેકટના કારણે જમીનના જળશ્રોતને ખાતાં થઈ જશે, હવામાનમાં કાર્બનનું પ્રદૂષણ ફેલાશે. આ સાથે જ આ વિસ્તારના સ્થાનિકોની સંસ્કૃતિને ખતમ કરી દેશે. આ બધી બાબતોને કારણે છેલ્લા 4 વર્ષથી અદાણીના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે.

પ્રોટેસ્ટરે SBIને લોન ન આપવા કહ્યું
અદાણી ગ્રુપના આ પ્રોજેક્ટ માટે ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેને 1 અબજ ડોલર (આશરે રૂ. 7389 કરોડ)ની લોન આપવાની છે. જે પ્રોટેસ્ટર પ્લે-કાર્ડ સાથે મેદાનમાં ઘુસી આવ્યો હતો તેના કાર્ડમાં લખ્યું હતું કે ‘SBI અદાણીને 1 અબજ ડોલરની લોન ન આપે’. અગાઉ 21 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના મારગાઓમાં SBIની બ્રાંચ સામે ધરણા કરી અને બેંક પાસે માગ કરી હતી કે તે અદાણીની લોન માટેની અરજી સ્વીકારે નહિ.

સોનીએ મેચનું પ્રસારણ અટકાવ્યું
ભારત અને ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝનું પ્રસારણ સોની સિક્સ ચેનલ પર થઇ રહ્યું છે. સામાન્ય રીતે આવી કોઈ ઘટના બને ત્યારે લાઈવ ટેલીકાસ્ટ ચાલુ રહે છે. પરંતુ જયારે ચાલુ મેચમાં યુવાન અદાણીનો વિરોધ કરવા માટે મેદાનમાં આવ્યો ત્યારે સોનીએ તે ફીડ થોડા સમય માટે અટકાવી દીધી હતી અને જાહેરાતનું પ્રસારણ ચાલુ કરી દીધું હતું.

વિરોધ કરી રહેલા યુવાનને મેદાન બહાર લઇ જતાં સિક્યુરિટી ગાર્ડ

ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં પણ વિરોધ વિરોધ પ્રદર્શન થયું હતું
વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં પણ અદાણીના કોલ પ્રોજેક્ટનો ભારે વિરીધ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીને અનુલક્ષીને બ્રિસબેનમાં વેલ્લે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે એક બિઝનેસ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે મહિલાઓ ‘સ્ટોપ અદાણી’ લખેલા ઝંડા સાથે સ્ટેજ પર આવી ચડી હતી અને અદાણી વિરુદ્ધ નારેબાજી શરૂ કરી હતી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની ચૂંટણી સભામાં અદાણી સામે વિરોધ કરી રહેલી મહિલા (ફાઈલ ફોટો).

વિરોધ વચ્ચે ગત વર્ષે પ્રોજેક્ટને મંજુરી મળી
પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી એક દાયકાથી વિરોધ થઇ રહ્યો હોવા છતાં ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં તેના કાર્માઈકલ ખાણ પર કામ શરૂ કરવા માટે અદાણી ગ્રુપની અદાણી ઓસ્ટ્રેલિયાને જૂન 2019માં અંતિમ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી. અદાણીને ખાણની મંજુરી મેળવવા માટે ત્યાના સ્થાનિકોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને કંપનીને તમામ પ્રકારની મંજુરી મેળવવા માટે એક દાયકાથી પણ વધારેનો સમય લાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here