છેલ્લી વસતિગણતરી મુજબ દેશમાં એક કરોડ દસ લાખ મકાનો ખાલી પડ્યાં છે. આતંકવાદના પગલે લોકો અજાણ્યાને મકાન ભાડે આપતાં ડરે છે. મકાન માલિકો અને ભાડૂતો બંનેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એક નવો કાયદો ઘડી રહી છે. અત્યાર અગાઉ આવો કોઇ કાયદો નહોતો. દેશમાં બહુ જલતી આદર્શ ભાડૂત કાયદો (મોડેલ ટેનન્સી એક્ટ) આવી રહ્યો છે.

લોકો ગમે તેને ભાડે આપતાં ડરતા હતા

કેન્દ્રના રહેઠાણ અને શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ કહ્યું કે અત્યારે એક કરોડ દસ લાખથી વધુ મકાનો ખાલી પડ્યાં છે કારણ કે લોકો ગમે તેને ભાડે આપતાં ડરતા હતા. હવે મોડેલ ટેનન્સી કાયદો આવી રહ્યો છે જે મકાન માલિકો અને ભાડૂતો બંનેની સમસ્યાઓ ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યો હતો. આ કાયદાની કેટલીક રસપ્રદ વિગતો આ મુજબ છે.

બે માસના ભાડાથી વધુ રકમ માગી નહીં શકે

રેન્ટ એગ્રીમેન્ટ થયા પછી મકાન માલિક મુદત પૂરી ન થાય ત્યાં સુધી ભાડૂતને ઘર ખાલી કરવાનું નહીં કહી શકે સિવાય કે સતત બે માસ સુધી ભાડું ન ચૂકવાયું હોય, ભાડૂતની અંગતતા જાળવવા આ કાયદામાં એવી જોગવાઇ છે કે, મકાન માલિક ચોવીસ કલાક અગાઉ જણાવ્યા સિવાય ઓચિંતા આવી નહીં શકે. રેન્ટ એગ્રીમેન્ટ કરતી વખતે મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટ પેટે બે માસના ભાડાથી વધુ રકમ માગી નહીં શકે. રેન્ટ એગ્રીમેન્ટમાં જણાવેલી મુદત પૂરી થાય ત્યારે ભાડુત મકાન કે દુકાન ખાલી ન કરે તો મકાન માલિક ત્યારપછીના બે માસ સુધી ડબલ ભાડું માગી શકે છે અને ભાડુત બે માસથી વધુ લાંબો સમય ત્યાં રહે તો ચાર ગણું ભાડું માગી શકશે.

આમ નવા કાયદામાં ભાડુત અને મકાન/દુકાન માલિક બંનેનાં હિતો સચવાઇ રહે એવી જોગવાઇ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here