- 12 કલાક માસ્ક અને ફેસશિલ્ડ પહેર્યા પછી તબીબે બે મિનિટ માટે મોઢું લૂછવા માસ્ક કાઢ્યું અને દંડાયા
- કોર્પોરેશનના કર્મચારીઓ તબીબની કાર પાસે આવ્યા અને વિડિયોગ્રાફી કરવા લાગ્યા હતા
ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સાથે કોર્પોરેશન અને પોલીસ કર્મચારીઓ દ્વારા અયોગ્ય રીતે દંડ વસૂલવાની આ બીજી ઘટના છે. 12 કલાક સુધી માસ્ક, ફેસશિલ્ડ અને પીપીઇ કિટ પહેરનાર તબીબે પોતાની કારમાં બેસીને ફ્રેશ થવા મોઢું લૂછવા માસ્ક કાઢ્યું હતું, હજુ તો ચહેરો ભીનો કરે એ પહેલાં ઉસ્માનપુરા સર્કલ પાસેના સિવિક સેન્ટર પાસે કોર્પોરેશનના કર્મચારીઓ વિડિયો ઉતારવા લાગ્યા હતા અને 2000નો દંડ માગ્યો હતો. તબીબે પોતાનું ઓળખપત્ર બતાવીને કહ્યું, માત્ર 2 મિનિટ ચહેરો ધોવા માસ્ક કાઢ્યું છે. 12 કલાકથી બંધ ગભરામણ થઈ રહી હતી, પરંતુ કોર્પોરેશને ધરાર વાત સમજવા ઇન્કાર કર્યો હતો.
સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ તેમની ડ્યૂટી પતાવીને પોતાની કારમાં ઘરે જઇ રહ્યા હતા. સવારના 9 વાગ્યાથી રાતના 9 સુધી સતત માસ્ક અને ફેસશિલ્ડ પહેરી રાખ્યાં બાદ ચહેરાને ફ્રેશ કરવા ઉસ્માનપુરા ગાર્ડન પાસે કાર ઊભી રાખી હતી. કારમાં જ માસ્ક ઉતાર્યું હતું. હાથ રૂમાલ ભીનો કરીને હજી ચહેરો લૂછે ત્યાં તો કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસ ત્યાં આવી હતી અને કોર્પોરેશનના કર્મચારીઓ વિડિયોગ્રાફી કરવા લાગ્યા હતા.
માસ્ક નહીં પહેરવા બદલ 2000 દંડ માગ્યો હતો. તબીબે માસ્ક અને ફેસશિલ્ડ બતાવીને સમજાવ્યું કે જુઓ, હજુ એક મિનિટ પહેલાં જ માસ્ક ઉતાર્યું છે, અમને જવાબદારીનું પૂરું ભાન છે. ચહેરો લૂછવા કાઢયું છે, પરતું કોર્પોરેશનના કર્મચારીઓએ ધરાર દંડ ભરવાનો આગ્રહ કર્યો હતો. છેવટે કંટાળીને તબીબે દંડની રકમ આપી હતી.